અંબાજીઃ સોમવારથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. ‘જય અંબે’ના જયઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠી છે, જ્યારે અંબાજી જતા રસ્તાઓ પદયાત્રીઓથી ભરાઈ ગયા છે. સોમવારથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો 7 સપ્ટેમ્બર સુધી ચાલશે, જે મુજબ સોમવારથી ભક્તગણોના મોટા પ્રવાહથી ચાચરચોક ભરાઈ ચૂક્યો હતો.
એક અંદાજ મુજબ ભાદરવી પૂનમના મેળામાં 30 લાખથી વધુ ભક્તો પહોંચશે અને મા અંબાનાં દર્શન કરશે. મેળાના પ્રથમ દિવસે જ 3,71,111 ભક્તોએ મા અંબાનાં દર્શન કર્યાં હતાં, તો મંદિર પરિસરમાં 140 ધ્વજારોહણ કરાયું હતું.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અનેક પગપાળા સંઘો ભાદરવી પૂનમના મેળામાં ગરબો લઈ માતાજીના દ્વાર સુધી આવે છે અને મા અંબાને નવરાત્રી
નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.
અંબાજી પદયાત્રાનો ઇતિહાસ
ભાદરવી પૂનમની પદયાત્રાનો ઇતિહાસ રોચક છે. એક માન્યતા મુજબ પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થવા છતાં સંતાનની ખોટ હતી. આ કારણે રામસિંહ રાયકા નામના ભુવાની સલાહથી તેમનાં કુળદેવી અંબાજીનાં દર્શન અને આશીર્વાદ લેવા સલાહ આપી. આમ ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં માનતા મુજબ તેઓ 51 બ્રાહ્મણો સાથે સન 1841 ભાદરવા સુદ દસમે સંઘરૂપે અંબાજી નીકળ્યા હતા. અંબાજી
પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતાને લઈ પગપાળા સંઘની સ્થાપના થઈ, જે આજે દેશભરમાં જાણીતી છે.

