ચણિયાચોળીના રૂ. 29 કરોડના એક્સપોર્ટ માર્કેટ પર ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ

Tuesday 02nd September 2025 08:00 EDT
 
 

અમદાવાદઃ રશિયા સાથે ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લદાયેલા 50 ટકા ટેરિફની અસર નવરાત્રીના ચણિયાચોળીના એક્સપોર્ટ પર પણ પડી રહી છે. વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એવા નવરાત્રીમાં ચણિયાચોળી અને હેન્ડિક્રાફ્ટ આઇટમ્સ ટેક્સટાઇલ અને એપેરલ્સની કેટેગરીમાં આવતી હોવાથી તેમના માથે પણ ટેરિફનું જોખમ આવી રહ્યું છે.
અમેરિકન ટેરિફનું જોખમ સ્થાનિક ચણિયાચોળી પર પણ આવી રહ્યું છે. ગુજરાતના ચણિયાચોળી અને હેન્ડિક્રાફ્ટના વેપારીઓને 50 ટકા ટેરિફને લઈને તેના એક્સપોર્ટમાં 50 ટકા ઘટાડાનો સામનો કરી રહ્યા છે. એક બાજુ આખું વર્ષ તેના ઉત્પાદન સાથે કારીગરોએ તૈયારી કરી છે, ત્યારે ટેરિફનું ગ્રહણ આવતાં વેપારી અને કારીગરોમાં નિરાશા વ્યાપી છે.
આ અંગે વાત કરતાં એક જાણીતા હેન્ડલૂમ વિક્રેતા જણાવે છે કે, ચણિયાચોળીના બિઝનેસ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના હજારો પરિવારો સંકળાયેલા છે. ચણિયાચોળીની સાથે બીડ વર્ક, એપ્લિક વર્ક, હેન્ડ એમ્બ્રોઇડરી અને મશીન એમ્બ્રોઇડરી પણ જોડાયલા છે, જેની સીધી અસર સ્થાનિક કારીગરોને પણ પડી રહી છે. જો આમને આમ ચાલ્યું તો ટેક્સટાઇલ પ્રોડક્ટમાં 60થી 70 ટકાના ઘટાડાનો સામનો કરવો પડશે.
હાલ ભારતમાંથી એક્સપોર્ટ કરતાં વેપારીઓ 10 ટકા સબસિડીની માગણી પણ કરી રહ્યા છે. જેથી તેમને કંઈક રાહત મળે. ભારતનાં હેન્ડલૂમ ઉત્પાદનો જેમ કે ગાલીચા, શાલ, ચાદરની યુએસમાં અંદાજિત નિકાસ આશરે રૂ. 4200 કરોડની છે, જ્યારે હસ્તકલા કે હેન્ડિક્રાફ્ટની નિકાસમાં યુએસ ભારતની હસ્તકલાનો 38 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય 2022-23માં રૂ. 9576-23,860 કરોડ હતું, જે ટેરિફ બાદ આ વર્ષના અંતે વધુ ઘટે તેવી શક્યતા છે.
ટેક્સટાઇલ અને હસ્તકલામાં સુરત અને અમદાવાદનો વેપાર દેશવિદેશમાં ફેલાયેલો છે. આ બંને શહેરો ટેક્સટાઇલ અને હસ્તકલામાં યુએસને રૂ. 29,400 કરોડની કિંમતનાં ઉત્પાદનો એક્સપોર્ટ કરે છે, જેમાં ગુજરાતના ચણિયાચોળી અને હસ્તકલાના વિવિધ આર્ટિફેક્ટનું આગવું સ્થાન છે. ઘણા નિષ્ણાતો માને છે કે 27 ઓગસ્ટ 2025થી લાગુ 50 ટકા ટેરિફથી ગુજરાતની નિકાસ 50-70 ટકા ઘટી શકે છે, જેથી વેપારીઓને વિપરીત અસર થશે.


comments powered by Disqus