જેમ્સ એન્ડ જવેલરીની અમેરિકામાં થતી નિકાસમાં 40 ટકાનું ગાબડું પડશે

Tuesday 02nd September 2025 08:25 EDT
 
 

અમદાવાદઃ જેમ્સ એન્ડ જ્વેલરીની ભારત અને ગુજરાતથી અમેરિકામાં થતી 4.8 અબજ ડોલરની સંપૂર્ણ નિકાસ 27 ઓગસ્ટથી ઠપ થઈ ગઈ છે. ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ 13.30 અબજ ડોલરન નિકાસથી
એકલા અમેરિકામાં 4.8 અબજ ડોલરની નિકાસ થાય છે.
આ નિકાસ અટકી પડતાં સુરતના 8થી 9 લાખ અને ગુજરાતના કુલ 15 લાખ રત્નકલાકાર પૈકી 40 ટકા રત્નકલાકારો તેમની રોજગારી ગુમાવી દે તેવી સંભાવના હોવાનું જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે.
અમેરિકા સાથેનો ધંધો તૂટી જતાં ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરીની થતી 40 ટકા નિકાસ ઘટી જશે. બાકીના દેશો સાથેનો 60 ટકા ધંધો ચાલુ જ રહેશે. સમય જતાં તેમાં નવો માર્ગ નીકળે તો વાત સાવ જ જુદી છે. અત્યારે તો 40 ટકા નિકાસ ઠપ થઈ જવાના નિર્દેશો મળી રહ્યા છે. જો કે યુરોપિયન સંઘના દેશો, થાઇલેન્ડ અને હોંગકોંગમાં આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ચાલુ જ રહેશે. અમેરિકા સિવાયના તમામ દેશોમાં આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ચાલુ જ રહેશે.
જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાનું કહેવું છે કે, કટ અને પોલિશ્ડ ડાયમંડ પર 51 ટકા ટેરિફ લાગુ કરાયો છે. તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી પર 57 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. 2024-25ના વર્ષની વાત કરવામાં આવે તો અમેરિકા સાથે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીનો કુલ વેપાર 13.30 અબજ ડોલરનો કર્યો છે. તેમાંથી અમેરિકામાં સુરતનું એક્સપોર્ટ 4.8 અબજ ડોલરનું હતું.
સુરત SEZ પર રૂ. 500 કરોડની અસર
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના 25 ટકા ટેરિફની અસર સુરતના આંગણે દેખાવા લાગી છે. અપેક્ષા અનુસાર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુખ્યત્વે તેની ઝપેટમાં છે. રફ આયાત અને પોલિશ્ડ હીરાની નિકાસની સાથે એસઇઝેડમાં જ્વેલરી મેકિંગ યુનિટ પર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ટેરિફના લાગ્યા પહેલાના દિવસોમાં નિકાસનો આંકડો રૂ. 500 કરોડને પાર કરી ગયો હતો. હાલ જ્વેલરી એક્સપોર્ટ 60 ટકાથી વધુ ઘટી ગયું છે અને દિવસે દિવસે આ ટકાવારી વધી રહી છે. જાણકાર સૂત્રો કહે છે કે, જો ટેરિફનો રેશિયો 50 ટકાથી વધી ગયો તો એસઈઝેડમાં ડાયમંડ- જ્વેલરીનો ધંધો રૂ. 5 હજાર કરોડ સુધી
ઘટી જશે.


comments powered by Disqus