G-7 સમિટમાં જવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇનકાર

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

નવી દિલ્હીઃ જી-20 પછી સૌથી શક્તિશાળી ગણાતા સંગઠન જી-7ની આ વખતની સમિટ કેનેડામાં યોજાવા જઈ રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લી લગભગ તમામ જી-7 સમિટમાં જોડાઈ ચૂક્યા છે. જો કે કેનેડામાં યોજાઈ રહેલી આ વખતની સમિટમાં તેઓ હાજર ન રહે તેવા અહેવાલો છે. જી-7 દેશોમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, યુરોપિયન યુનિયન જેવા આર્થિક રીતે સંપન્ન દેશો સામેલ છે. છેલ્લી લગભગ તમામ સમિટમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યા છે, પરંતુ આ વખતે કેનેડાના ખાલિસ્તાનીઓ પ્રત્યેના નરમ વલણને ધ્યાનમાં રાખીને મોદી આ સમિટમાં ના જોડાય તેવા અહેવાલ છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસે અગાઉ જાહેરાત કરી હતી કે, જી-7 સમિટ કેનેડામાં યોજાઈ રહી હોવા છતાં પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. કેનેડા અને અમેરિકાની વચ્ચે પણ ટેરિફ વોર ચાલી રહી છે, તેમ છતાં કેનેડાએ અમેરિકાને આમંત્રણ આપવું પડ્યું છે. સપ્તાહ પહેલાં કેનેડાએ જી-7 સિવાયના દેશોને સમિટમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયા અને યુક્રેનનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટોની આલ્બાનીઝ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જી-7 સમિટમાં ભાગ લેવા કેનેડા જશે. કદાચ કેનેડા ભારતને આમંત્રણ મોકલે તો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતની સમિટમાં હાજર ન રહે તેવા રિપોર્ટ છે, કેમ કે કેનેડાએ ભારતવિરોધી ખાલિસ્તાની સંગઠનો સામે યોગ્ય કાર્યવાહી નથી કરી અને તેને વધુ પ્રોત્સાહન આપ્યું છે.


comments powered by Disqus