ખંડિત સોમનાથ શિવલિંગનાં 4 અંશ મારી પાસેઃ શ્રી શ્રી રવિશંકર

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

વેરાવળઃ સોમનાથ મંદિરના શિવલિંગ પર નવો વિવાદ છેડાયો છે. સોમનાથ મંદિરમાં શિવલિંગની પુનઃ સ્થાપના કરવાના શ્રી શ્રી રવિશંકરે મીડિયામાં કરેલા એલાન સામે શંકરાચાર્યો, સંતો-મહંતો અને શિવ ઉપાસકોએ એકઅવાજે વિરોધ નોંધાવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આર્ટ ઓફ લીવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસો પહેલાં તેમની પાસે 1 હજાર વર્ષ પહેલાં મહમૂદ ગઝનવીએ ખંડિત કરેલા સોમનાથ જ્યોતિર્લિંગના 4 અંશ હોવાનો દાવો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શિવલિંગના આ અંશો હાલમાં યોજાયેલા મહાકુંભ પહેલાં જ પ્રાપ્ત થયાનું તેમણે જણાવ્યું હતું. શ્રી શ્રી રવિશંકર ત્યારબાદથી દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોને આ શિવલિંગના અંશનાં દર્શન કરાવી રહ્યાં છે.
પંડિત સીતારામ શાસ્ત્રીએ સોંપ્યા હતા ટુકડા
પંડિત સીતારામ શાસ્ત્રીએ એક જાહેર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકરને આ શિવલિંગના ટુકડા સોંપ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે, હજારો વર્ષ બાદ આ પુનઃ સ્થાપનાનો સમય આવ્યો છે. અમારા પૂર્વજોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ શક્યું નહોતું. મારા દાદાજીના હાથમાં આ ટુકડા આવ્યા હતા. તેમણે મને સોંપ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, ગમે તે કરો પણ આની સોમનાથમાં ફરીથી સ્થાપના કરવાની છે. ઇશ્વરે આપણને એવા એક મહાત્મા (શ્રી શ્રી રવિશંકર) આપ્યા છે, જેના હાથથી આ કામ થવાનું છે.
સંતગણ દ્વારા ઉગ્ર વિરોધ
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, અત્યાર સુધી શ્રી શ્રી રવિશંકરે આની વાત કેમ ન કરી? તો દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું, જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને એની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. જ્યારે હરિગિરિ મહારાજે કહ્યું, જ્યોતનું ક્યારેય ખંડન ન થઈ શકે, એટલે પુન: સ્થાપના કરવાનો સવાલ જ નથી. તો શિવઉપાસક નિજાનંદ સ્વામીએ કહ્યું, સોમનાથ શિવલિંગનાં 1000 વર્ષ પહેલાના ટુકડા કોઈ પાસે હોય એ શક્ય નથી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ કહ્યું હતું કે, જે અંશો છે એ મૂળ શિવલિંગના છે કે નહીં એનો કોઈ પુરાવો નથી.
શ્રી શ્રી રવિશંકરે અત્યાર સુધી વાત કેમ ન કરી?
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. રવિશંકર આ બધાને મળતા રહેતા હોય છે, તો અત્યાર સુધી રવિશંકરે આની વાત કેમ ન કરી? કરોડો સનાતનધર્મીઓ સોમનાથનાં દર્શન કરવા આવે છે.


comments powered by Disqus