ગુજરાતમાં ચોમાસું સમયસર આવશેઃ સામાન્યથી વધુ વરસાદની શક્યતા

Wednesday 04th June 2025 06:13 EDT
 
 

અમદાવાદઃ જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આ સમયગાળામાં 34 ટકાથી 65 ટકા સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. ખાસ કરીને જૂન મહિનામાં 33.5 ટકાથી 45 ટકા સુધી વધુ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ધીમી પડતાં ગુજરાતમાં ચોમાસું સમયસર જ આવશે.
125 વર્ષમાં પહેલીવાર મે મહિનામાં 2 ઇંચ વરસાદ
મે મહિનાના છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 2.9 મિ.મી. વરસાદ થવો જોઈએ, જેની સામે આ સમયગાળામાં 55.9 મિ.મી. એટલે કે સવા 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. અંદાજ કરતાં 19 ગણો વધુ વરસાદ છેલ્લાં 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે. 1933માં 79.4 મિ.મી., 1917માં 76.2 મિ.મી. અને 1994માં 75.6 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે ત્રણેય વર્ષો બાદ આ વર્ષે ચોથો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 1901થી 2025 સુધીનાં 125 વર્ષમાં 97 વખત મે મહિનામાં વરસાદ થયો છે. જ્યારે 28 વખત મે મહિનો કોરો રહ્યો છે. આ સમયગાળામાં 21 વખત મે મહિનામાં 7 મિ.મી.થી વધુ વરસાદ થયો છે. મે મહિનામાં અંદાજ કરતાં વધુ વરસાદ બાદ ચોમાસાની થયેલી અસર જોઈએ તો 8 વખત ચોમાસામાં અંદાજ કરતાં વધુ વરસાદ સાથે ચોમાસું સારું ગયું હતું.
જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે
હવામાન વિભાગની વિવિધ વેબસાઇટ મુજબ જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક 15 દિવસ વરસાદનું જોર ધીમું રહેશે, જો કે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે. આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત્ છે.

જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આ સમયગાળામાં 34 ટકાથી 65 ટકા સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. ખાસ કરીને જૂન મહિનામાં 33.5 ટકાથી 45 ટકા સુધી વધુ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ધીમી પડતાં ગુજરાતમાં ચોમાસું સમયસર જ આવશે.


comments powered by Disqus