પોરબંદરઃ બરડા ડુંગરના ખોળે વસેલા હનુમાનગઢ ગામની કેરીનું આ વર્ષે ત્રીજું કન્સાઇન્મેન્ટ ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યું. સ્થાનિક બજારમાં પ્રતિકિલો રૂ. 120 માં વેચાતી આ કેરીના ઇંગ્લેન્ડમાં પ્રતિકીલો રૂ. 770 જેટલો ભાવ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં ગીરની કેરીનો ભાવ ઓછો આવે છે, પરંતુ બરડામાં પાકતી આ કેરીનો ભાવ વધુ મળે છે.
પોરબંદરના બરડા પંથકમાં મોટી સંખ્યામાં કેસર કેરીના બગીચા આવેલા છે. ગીર પંથકની કેસર કેરીની સરખામણીમાં બરડા ડુંગરના પેટાળનાં ગામોમાં આવેલા કેસર કેરીના બગીચાની કેરી ખૂબ સારી હોવાનું માનવામાં આવે છે. દેશમાં પ્રખ્યાત આ કેરી આ વર્ષે વિદેશમાં પણ પ્રખ્યાત બની છે.
રાણાવાવ પંથકના હનુમાનગઢ ગામે કેસર કેરીનો બગીચો ધરાવતા દિલીપભાઈ અને આદિત્યાણા ગામે કેસર કેરીનો બગીચો ધરાવતા લખમણભાઈ ઓડેદરાના બગીચાની કેસર કેરી ઇંગ્લેન્ડમાં મોકલાઈ છે. આ બંને બગીચાથી અત્યાર સુધી 2 કન્સાઇન્મેન્ટ યુકેના લેસ્ટર ખાતે અગાઉ મોકલવામાં આવ્યા હતા અને તાજેતરમાં વધુ એક કન્સાઇન્મેન્ટ લેસ્ટર ખાતે એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. આમ અત્યાર સુધીમાં કુલ 3 કન્સાઇન્મેન્ટ એક્સપોર્ટ કરવામાં આવ્યાં છે અને આ કેરી લેસ્ટરમાં પોતાનું આગવું સ્થાન મેળવી રહી છે.
નાના પાયે એક્સપોર્ટ થતી આ કેરીની નિકાસમાં સરકાર જો પ્રોત્સાહન આપે તો તેમાં વધારો થઈ શકે છે. જેને લીધે દેશ અને રાજ્યની સાથોસાથ કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી શકે તેમ હોઈ સરકાર દ્વારા વધુ પ્રોત્સાહક આયોજન કરવાની જરૂર છે.