નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રશિયાએ ભારતને તેનું સૌથી આધુનિક પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર Su-57E ઓફર કર્યું છે, જેને ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યું છે. રશિયન સંરક્ષણ કંપની રોસ્ટેકનાં સૂત્રોના મતે રશિયાએ ભારતને તાત્કાલિક 20થી 30 Su-57E વિમાન પૂરાં પાડવાની ઓફર કરી છે. આ સાથે ભારતીય સિસ્ટમો સાથે સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર, સંકલનની પણ ઓફર કરી છે. ભારતને વિમાનના સોર્સ કોડ અને કસ્ટમ મોડિફિકેશનની મંજૂરી પણ અપાશે, જેનાથી એચએલએ જેવી દેશની જાહેરક્ષેત્રની કંપની સક્રિય ભૂમિકા ભજવી શકશે. રશિયન પક્ષે Su-57Eના સ્થાનિક ઉત્પાદન માટે એચએએલના નાસિક પ્લાન્ટને પસંદ કર્યો છે. ભારતમાં જ પાંચમી પેઢીનાં ફાઇટર જેટ બનાવવા મંજૂરી મળતાં IAFની તાકાત વધશે.