જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીના કારણે યુવા પેઢીની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. આના પરિણામે દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરની સંખ્યા વધી રહી છે.
પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ચિંતાજનક વક્તવ્ય આપતાં રાજ્યપાલે જણાવ્યું કે, ‘હવે ભારતની ગલીઓમાં પણ કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરો ખૂલી ગયા છે, કારણ કે યુવાપેઢીની પ્રજનન ક્ષમતા દિનપ્રતિદિન ખોરવાઈ રહી છે. આ દૃશ્ય આપણને એ વિચારવા મજબૂર કરે છે કે કૃષિમાં અપનાવેલી રાસાયણિક પદ્ધતિઓ આપણા સમાજ માટે કેટલા સ્તરે ખતરનાક બની રહી છે. પરિણામે આજે તાજા જન્મેલા બાળકના લોહીમાં પણ પેસ્ટીસાઈડના હાનિકારક તત્વો મળી રહ્યા છે. અમે અમૂલ જેવી પ્રતિષ્ઠિત ડેરીનાં દૂધ અને માવા જેવી વસ્તુ યુરોપ મોકલી હતી, પણ યુરોપિયન લેબોરેટરીએ તમામ નમૂના રિજેક્ટ કરી દીધા. કારણ હતું તેમાં પેસ્ટિસાઇડ અને યુરિયા જેવાં તત્ત્વો ઘણા વધારે પ્રમાણમાં જોવા મળ્યાં.