વેરાવળઃ સોમનાથ મંદિર પરિસરમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે નવતર પહેલ કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટમાં મંદિર અને આસપાસના વિસ્તારથી એકઠા થતા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરાશે.
વેરાવળના ઇણાજ ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ ચાલી રહી છે. વિશ્વવિખ્યાત યાત્રાધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવરના કારણે પ્લાસ્ટિક કચરો મોટા પ્રમાણમાં એકઠો થાય છે. આ પ્લાન્ટની સ્થાપનાથી બે મહત્ત્વનાં લક્ષ્યો સિદ્ધ થશે. એક તરફ યાત્રાધામને સ્વચ્છ રાખવામાં મદદ મળશે, બીજી તરફ સ્થાનિક મહિલાઓને રોજગારીની તક ઉપલબ્ધ થશે. પ્લાસ્ટિક રિસાઇકલિંગ પ્લાન્ટથી યાત્રાધામમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત થશે. બેઠકમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમડી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને વેરાવળ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.