નવી દિલ્હીઃ સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વેગ આપવા માટે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ પિનાકા મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સહિત રૂ. 10 હજાર કરોડથી વધુ મૂલ્યના દારૂગોળાને મંજૂરી આપી છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ એરિયા ડિનાઇલ મ્યુનિશન અને પિનાકા રોકેટ સહિત 10,000 કરોડ રૂપિયાથી વધુનાં હથિયાર ખરીદવાની સેનાની યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના હેઠળ સૈન્ય સામગ્રીનું નિર્માણ નાગપુરની રોકેટ નિર્માતા કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ અને પૂવ આયુધ નિર્માણી બોર્ડ કંપની મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (એમઆઇએલ)માં કરવામાં આવશે.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 13 જાન્યુઆરીએ પોતાની વાર્ષિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પિનાકા હથિયાર પ્રણાલી માટે કરારને સરકાર દ્વારા ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા છે.