અમદાવાદઃ દેશમાં પાસપોર્ટ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા તમામ લોકોએ હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર આપવું પડશે. નવા નિયમો હેઠળ 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે જન્મ પ્રમાણપત્રને જન્મ તારીખનો એકમાત્ર માન્ય પુરાવો ગણવામાં આવશે. જ્યારે જૂના અરજદારો અન્ય દસ્તાવેજોનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ગેઝેટ નોટિફિકેશનમાં પ્રકાશિત પાસપોર્ટ (સુધારા) નિયમો 2025 મુજબ આ કટઓફ તારીખ પહેલા જન્મેલા લોકો હજુ પણ જન્મના પુરાવા તરીકે વૈકલ્પિક દસ્તાવેજો સબમિટ કરી શકે છે. જેમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ, સરકારી કર્મચારીઓ માટે સર્વિસ રેકોર્ડ અથવા પેન્શન ઓર્ડર, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખ કાર્ડ અને LIC અથવા જાહેર કંપનીઓ દ્વારા જારી કરાયેલા પોલિસી બોન્ડનો સમાવેશ થાય છે.
ભૂતકાળમાં પણ જન્મ પ્રમાણપત્ર ફરજિયાત સબમિટ કરવા માટે કટઓફ તારીખ 26 જાન્યુઆરી 1989 નક્કી કરાઈ હતી. જો કે 2016માં આ તારીખ દૂર કરવામાં આવી હતી અને બધા અરજદારો તેમની પાસપોર્ટ અરજી સાથે ઉપરોક્ત કોઈપણ દસ્તાવેજો જન્મના પુરાવા તરીકે જોડી શકે તેના માટે પાસપોર્ટ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

