સુરતઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વીરપુરના જલારામ બાપાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં માહોલ ગરમાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સ્વામી જ્ઞાનપ્રકાશે બફાટ કરતાં જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા. આ ટિપ્પણી બાદ રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અમરોલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંતે પહેલા મન ભરીને બફાટ કર્યો હતો અને પછી રોષની જ્વાળા ફેલાઈ હોઈ માફી માગી હતી.
અમરોલી ભક્તિબાગ-કોસાડના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે કરેલા બફાટનો વીડિયો વાઇરલ થયો હતો. સંત જ્ઞાનપ્રકાશે સત્સંગમાં જણાવ્યું હતું કે, જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. જલારામ બાપા જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા હતા. અને ઘણી સેવા કરી. ગુણાતીત સ્વામી જ્યારે વીરપુર પધાર્યા ત્યારે જલારામ બાપાએ સદાવ્રત માટે જો કોઈ આવે તે સૌને પ્રસાદ, ભોજન મળે એવી ઇચ્છા હોવાનું જણાવ્યું હતું. જલા ભગતે ગુણાતીત સ્વામીને દાળ અને બાટી જમાડ્યા હતા. સ્વામી રાજી થયા અને જલા ભગતને તમારો સંકલ્પ પૂરો થાય, તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે એવા આશીર્વાદ આપ્યા હતા.
જ્ઞાનપ્રકાશ સ્વામીનો આ વીડિયો વાઇરલ થયા બાદ રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તોમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. જલારામ બાપાના ભક્તોમાં વિરોધ અને રોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે ભારે વિવાદ છેડાતા સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. તે અંગેના એક વીડિયોમાં તેમને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા એક પુસ્તક અને પછી એક મેગેઝિનમાં પ્રસંગ વાંચ્યો હતો. મને લાગ્યું કે જલારામ બાપાની ખૂબ સારી વાત કરાઇ છે. એટલે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઇ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય તો હું સાચા દિલથી માફી માંગું છું. તેમણે જલારામ બાપા વિશેનો વીડિયો પણ ડિલિટ કરી નાંખ્યો હતો.
જલારામબાપાના પરિવારે દાવાને નકાર્યો
સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદન મુદ્દે જલારામબાપાના વંશજ અને ગાદીપતિના લઘુબંધુ ભરતભાઈ ચાંદ્રાણીએ કહ્યું કે, આજથી 205 વર્ષ પહેલાં પૂજ્ય જલારામબાપાએ અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી મહાસુદ બીજના દિવસે અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. જલારામબાપા અવિરત પ્રભુ શ્રીરામ નામનું રટણ કરતા આ વાત પૂજ્ય જલારામબાપાને માનનારા લાખો ભક્તો સત્ય જાણે છે. સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલા નિવેદનમાં પૂજ્ય જલારામબાપાની જગ્યાના ગાદીપતિ અને પૂજ્ય જલારામ બાપાના પરિવારનું કોઈ સમર્થન નથી. સ્વામી દ્વારા કરેલી ટિપ્પણીને લઈને યાત્રાધામ વીરપુરના ગ્રામજનો, ભક્તો અને રઘુવંશી સમાજે આક્રોશ સાથે આ ટિપ્પણીને વખોડી કાઢી હતી. તેમજ સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે તેવો પડકાર ફેંક્યો હતો. સાથે જલારામબાપાના ઇતિહાસમાં ચેડાં ન કરવાની માગ સાથે કહ્યું કે, કદાચ સ્વામીએ તેના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્પણી કરી હશે. સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી માફી માગે.