ચકચારી પંકજ ત્રિવેદી હત્યાકેસમાં તમામ 10 આરોપીને આજીવન કેદ

Wednesday 05th March 2025 04:56 EST
 
 

અમદાવાદઃ સ્વાધ્યાય પરિવારના કરોડોના કથિત કૌભાંડો અને જયશ્રી તલવરકર (જયશ્રી દીદી)ની રીતરસમો સામે જંગે ચઢેલા NRI પંકજ હરિપ્રસાદ ત્રિવેદીની ચકચારી હત્યા મામલે સેશન્સ કોર્ટે 10 આરોપીને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા કરી છે. 19 વર્ષ પહેલાં પંકજ ત્રિવેદીની હત્યા કરાઈ હતી અને એ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે સનસનાટી ફેલાવી હતી. હત્યાકેસમાં પકડાયેલા 10 આરોપીને સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ભરત જાદવે આજીવન કેદની સજા કરી છે. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં 164નું નિવેદન આપનારા અને અન્ય હોસ્ટાઇલ થઈ ગયેલા કુલ 23 સામે કોર્ટે ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
સ્વાધ્યાય પરિવાર સામે જંગ છેડ્યો હતો
અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા મૃતક પંકજ ત્રિવેદીએ અમદાવાદમાં આવી સ્વાધ્યાય પરિવારના કથિત ભ્રષ્ટાચાર સામે જંગ છેડતાં તેમને અવારનવાર મારી નાખવાની ધમકી મળતી હતી. જો કે તેમણે પોતાની લડાઈ ચાલુ જ રાખી હતી અને સ્વાધ્યાય પરિવારની આર્થિક ગેરરીતિઓ સામે 25થી વધારે વિવિધ દાવા દાખલ કર્યા હતા. દરમિયાન 15 જૂન 2006ના રોજ એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદી કારમાંથી ઉતરી રહ્યા હતા, એ સમયે આરોપીઓએ તેમને આંતરીને પાછળથી માથાના ભાગે બેઝ બોલ સ્ટિક મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હત્યાકાંડમાં પોલીસે તબક્કાવાર 10 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે 84 સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરી કોર્ટમાં દલીલ કરી હતી કે, સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીએ નાણાકીય હિસાબો માગતી અરજી અને પ્રશ્નોના નિરાકરણ હેતુથી પત્રિકા છપાવી હતી. જેથી તેમની સામે ખોટી ફરિયાદો વિવિધ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટોમાં દાખલ કરાઈ હતી. જે ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી. આરોપીઓ પંકજ ત્રિવેદીના ઘરના ફોન પર તેમજ કાગળો લખીને બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, જે બાદ કાવતરું ઘડી હત્યા કરી હતી. સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને આજીવન કેદની સજા થવી જોઈએ.
કયા આરોપીઓને સજા ફટકારાઈ?
સજા પામેલા આરોપીઓમાં ચંદ્રસિંહ મનુભા જાડેજા, હિતેશસિંહ રમેશસિંહ ચૂડાસમા, દક્ષેશ હસમુખભાઈ શાહ, ભૂપેન્દ્રસિંહ નારુભા જાડેજા, માનસિંહ અરજણ વાઢેર, ઘનશ્યામસિંહ પથુભા ચૂડાસમા, ભરત વિજયભાઈ ભટ્ટ, ભરતસિંહ દિલુભા જાડેજા, ચંદ્રકાંત મેઘજીભાઈ ડાકી અને જશુભાઈ દિલુભા જાડેજાનો સમાવેશ થાય છે.
ત્રિવેદી હત્યાકેસમાં 6 વર્ષ બાદ ચાર્જ ફ્રેમ
સ્વાધ્યાય પરિવારના કરોડોનાં કથિત કૌભાંડની રીતરસમો સામે જંગે ચઢેલા એનઆરઆઇ પંકજ ત્રિવેદી હત્યાકેસમાં 6 વર્ષના લાંબા ગાળા બાદ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થયો હતોે. ત્યાર બાદ આ કેસના સાક્ષીઓ દ્વારા વધુ તપાસની માગ કરતી અરજી કરાઈ હતી. જેમાં તપાસમાં કઈ ખામી રહી ગઈ તે મુદ્દે એફિડેવિટ રજૂ કરવા સરકારનેે જણાવી આ મામલે સુનાવણી શરૂ કરી હતી.
ભૂકંપ પીડિતો માટે વિદેશથી ભંડોળ એકત્ર કર્યું હતું
પંકજ ત્રિવેદી પોતે NRI હતા અને અમદાવાદની સેટેલાઇટ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે રહેતા હતા. જેઓએ ગુજરાતમાં આવેલા ભૂકંપમાં પીડિતોને મદદ કરવા માટે વિદેશથી મોટાપાયે ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળના હિસાબ સંદર્ભે પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું. વળી કેટલાક NRIએ દાન આપ્યું હોવા છતાં તેમને રસીદ અપાઈ નહોતી, જેથી પંકજ ત્રિવેદીથી નારાજ સ્વાધ્યાય પરિવારના કેટલાક અનુયાયીઓએ તેમની સામે જુદીજુદી ફરિયાદો દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ ફરિયાદો રદ કરી નાખી હતી. પંકજ ત્રિવેદી પોતે 30 વર્ષથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા. પંકજ ત્રિવેદીએ પોતાના પર હુમલાનો ભય હોવાનો તે સમયના મુખ્યમંત્રી અને પોલીસને પત્ર લખ્યો હતો. તે પત્રમાં પંકજ ત્રિવેદીએ કહ્યું હતું કે, જો મારું અપમૃત્યુ થાય તો તેના માટે 30 વ્યક્તિને જવાબદાર ગણવા.
સાક્ષીઓએ સત્યનો સાથ ન આપ્યોઃ કોર્ટ
કોર્ટે 436 પાનાંના ચુકાદામાં નોંધ્યું હતું કે, પુરાવા આપનારા સાક્ષીઓમાં તલાટી, ચીટનીશ, શિક્ષકો, વેપારી માણસોનો સમાવેશ થાય છે. આરોપીઓએ પુરાવો આપવા બાબતે ધાકધમકી આપી હોત તો અવશ્ય પોલીસ પ્રોટેક્શનની માગણી કરેલ હોત અને તે રીતે સત્યનો સાથ આપી શક્યા હોત. સાક્ષીઓએ આરોપીઓને બચાવવા માટે સત્યનો સાથ ન આપી આરોપીઓને જે રીતે મદદ કરવાનો પ્રયત્ન કરેલ છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, જેને હળવાશથી લઈ શકાય નહીં. સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વેપારી વર્ગના લોકો પાસેથી આવી અપેક્ષા ન હોય. આરોપીઓએ સાક્ષીઓને ખોટી રીતે પ્રભાવિત કરેલ છે, જેના લીધે તેમણે અર્ધસત્ય પ્રકારની જુબાની આપી હોવાનું તપાસનીશ અધિકારીની જુબાનીથી પુરવાર થયેલ છે. તપાનીશ અધિકારી વી.ડી. ગોહિલની જુબાની વિશ્વસનીય, માનવાલાયક અને ભરોસાપાત્ર છે. સાક્ષીઓએ ખોટી જુબાની આપી હોય તેમની સામે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ-344 અન્વયેની કાર્યવાહી કરવી પડે.
ધમકીભર્યા પત્રો ડાઇંગ ડેક્લેરેશન
આ કેસના સાક્ષી ગિરીશ જોષી, હાલ લંડન વસતા વિનુ સચાણિયાએ આ કેસમાં વધુ તપાસની માગ કરતી અરજી કરીને જણાવ્યું હતું કે, પોલીસે રિપોર્ટ કર્યો હતો, જેમાં મોટાં માથાં સંડોવાયેલાં હોવાનું જણાવ્યું હતું. જયશ્રી તલવરકર સહિતનાં મોટાં માથાંથી જીવને જોખમ હોવાના પત્રો પંકજભાઈએ પહેલાં જ લખ્યા હતા. તે ડીડી (ડાઇંગ ડિકલેરેશન) જગ્યાએ દસ્તાવેજી પુરાવા તરીકે પોલીસે લીધા હતા. જામનગરમાં વિનુ સચાણિયા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો તે કેસની તપાસ અભરાઈએ ચઢાવી દીધી હતી, જેની વધુ તપાસ થવી જોઈએ. કોર્ટે સુનાવણી બાદ અરજી ફગાવી દીધી હતી, પરંતુ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો ચુકાદામાં ધ્યાને લીધા છે.


comments powered by Disqus