અમદાવાદઃ અમેરિકા જવાની ઘેલછામાં લોકો ગમે તે હદ વટાવી જાય છે. હાલમાં ગેરકાયદે વસતા લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાઈ રહ્યા છે. તેવા સંજોગોમાં કલોલનો પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો હતો. જો કે માત્ર એક જ મહિનાના વસવાટ દરમિયાન તે ઇમિગ્રેશન વિભાગની નજરે ચડી જતાં તેને પનામાથી દિલ્હી ડિપોર્ટ કરાયો હતો. દિલ્હીથી અમદાવાદ આવેલા આ યુવકની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ એસઓજીને સોંપાઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કલોલનો 31 વર્ષના જિજ્ઞેશ જગદીશભાઈ પટેલને અમેરિકા જવાની તીવ્ર ઇચ્છા હોઈ તેણે વસીમ ખલીલ નામ ધારણ કરીને પોતાને મુસ્લિમ દર્શાવી અમેરિકા જવાની ગોઠવણ કરી હતી.
કબૂતરબાજીમાં માહેર એજન્ટોની મદદથી નકલી પાસપોર્ટ પર જિજ્ઞેશ પટેલ વસીમ ખલીલ નામ ધારણ કરી 3 ફેબ્રુઆરીએ એર કેનેડાની ફલાઇટમાં સૌપ્રથમ કેનેડા ગયો હતો, જ્યાં બીજા એજન્ટની મદદથી અમેરિકા પહોંચી ગયો હતો. જો કે અમેરિકામાં હાલમાં ગેરકાયદે ઈમિગ્રન્ટની ચાલી રહેલી તપાસ વચ્ચે જિજ્ઞેશ પટેલ પણ પકડાઈ ગયો અને તેને અમેરિકન સરકારે પનામાથી દિલ્હી ડિપોર્ટ કરી દીધો હતો.
પૂછપરછમાં જિજ્ઞેશ પટેલ રૂ. 50 લાખનો ખર્ચ કરીને ગેરકાયદે રીતે એજન્ટોની મદદથી અમેરિકા પહોચ્યો હતો. એસઓજીએ જિજ્ઞેશને કેનેડા જવા અને ત્યાંથી અમેરિકા જવા કોણે મદદ કરી તે માહિતી મેળવવા રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

