દાહોદઃ દાહોદમાં રેલવે વર્કશોપમાં સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ 9 હજાર હોર્સ પાવર ધરાવતું રેલવે એન્જિન બનાવાયું છે, જે દુનિયામાં નવા પ્રકારનું મોડલ છે. આ એન્જિન 89 ટકા મેક ઇન ઇન્ડિયાની બનાવટનું છે. રેલવે મંત્રીએ આ અંગે આશા વ્યક્ત કરી હતી કે, આ એન્જિનના ઉદઘાટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે.
ભારતીય રેલવેમાં હાલ 5 થી 7 હજાર હોર્સપાવર ધરાવતાં મેન્યુઅલી અને કોમ્પ્યુટરાઇઝ એન્જિન કાર્યરત્ છે. જ્યારે દાહોદમાં બનાવાયેલું રેલવે એન્જિન 9 હજાર હોર્સ પાવરવાળું હોવાથી વધારે લોડ ખેંચવાની સાથે વધારે સ્પીડ પણ પકડી શકશે. તાપમાન, સ્પીડ, ટેકનિકલ ખામી, તેનું નિરાકરણ, ટ્રેક પરનાં સંભવિત જોખમો વિશે આ કોમ્પ્યૂટરાઇઝ્ડ એન્જિન માહિતી આપતું રહેશે અને જાતે જ કામ કરતું રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ
શનિવારે સવારે રેલવેમંત્રીએ અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રિ-ડેવલોપમેન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જર્મની, જાપાનમાં આ પ્રકારનું કામ કરવામાં 7, 9 કે પછી 12 વર્ષ લાગે છે, ત્યારે ભારતમાં હવે સાડા ચાર વર્ષમાં આ પ્રકારનાં કામ થઈ રહ્યાં છે. જે જોઈને વિદેશી ઇજનેરો પણ અચંબિત થઈ ગયા છે. અમદાવાદ રેલવે સ્ટેશને ગુણવત્તામાં કોઈ બાંધછોડ કર્યા વગર દરમહિને એક ફ્લોર તૈયાર કરાઈ રહ્યો છે.