નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે 14 ફેરફારો સાથેના વકફ બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ 19 ફેબ્રુઆરીએ મળેલી કેબિનેટ બેઠકમાં તેની પર મહોર મારવામાં આવી. બિલમાં વફ સંપત્તિઓના વહીવટ, સંચાલન અને દેખરેખ માટે કેટલાક મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કા (10 માર્ચથી 4 એપ્રિલ)માં સરકાર તેને રજૂ કરી શકે છે. આ પહેલાં 13 ફેબ્રુઆરીએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો રિપોર્ટ સંસદમાં રજૂ કરાયો હતો. વિપક્ષે રિપોર્ટને બનાવટી ગણાવ્યો હતો. ત્યારબાદ સંસદમાં હોબાળો પણ થયો હતો. મૂળે, 27 જાન્યુઆરીએ જેપીસીની બેઠકમાં 44 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં એનડીએ સાંસદોના 14 સુધારાને મંજૂર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, વિપક્ષના સુધારાને ફગાવી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે વિપક્ષે બિલને લઘુમતિ સમુદાય માટે નુકસાનકારક ગણાવ્યું હતું. જો કે સરકારની દલીલ રહી છે કે આ બિલ દ્વારા મુસ્લિમ મહિલાઓ અને બાળકોને થતો અન્યાય દૂર કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વકફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે હવે હાઇકોર્ટમાં અપીલ કરી શકાશે.
વક્ફ બિલમાં 14 સુધારા
1. બિન-મુસ્લિમ સભ્યોને પણ સમાવી શકાય
2. મહિલા પ્રતિનિધિત્વ
3. ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારો
4. જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકા
5. વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો
6. વક્ફ મિલકતોનું ડિજિટાઈઝેશન
7. વધુ સારી ઓડિટ સિસ્ટમ
8. ગેરકાયદે કબજો અટકાવવો
9. વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક
10.વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારો
11.મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક
12.વક્ફ પ્રોપર્ટીનું કોમ્પ્યુટરાઇઝેશન
13.વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર
14. વક્ફ મિલકતના અનધિકૃત ટ્રાન્સફર
પર કાર્યવાહી

