હરિયાણાના રોહતકમાં સાંપલા બસ સ્ટેન્ડથી થોડે દૂર એક સૂટકેસમાંથી કોંગ્રેસની મહિલા કાર્યકર હિમાની નરવાલનો મૃતદેહ મળી આવ્યો. એવી શંકા છે કે 22 વર્ષીય હિમાનીનું ગળું દબાવીને હત્યા કરાઈ છે.
• યુપીની મહિલાને યુએઈમાં ફાંસીઃ યુપીની મહિલા આરોપી શહઝાદીને UAEમાં 15મી ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી હોવાની કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી. તેની સામે અબુધાબીમાં 4 મહિનાનાં બાળકની કથિત હત્યાના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
• દિલ્હીમાં 15 વર્ષ જૂનાં વાહનોને ઇંધણ મળશે નહીંઃ દિલ્હીમાં 15 વર્ષ જૂનાં વાહનોને 31 માર્ચ પછી પેટ્રોલપંપ પરથી ઈંધણ નહીં મળે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, અમે પંપ પર એવાં ઉપકરણો ગોઠવીશું, જે 15 વર્ષ જૂનાં વાહનોની ઓળખ કરશે.
• રૂ. 2000ના મૂલ્યની 98.18 ટકા નોટ બેન્કમાં પરતઃ આરબીઆઇએ શનિવારે જણાવ્યું હતું કે, રૂ. 2000ના મૂલ્યની 98.18% નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. હવે ફક્ત રૂ. 6,471 કરોડની નોટો જ જનતા પાસે છે.
• ચમોલીમાં હિમ સ્ખલનમાં 8 મોતઃ ઉત્તરાખંડમાં ચમોલી ખાતે માણા ગામ પાસે શુક્રવારે થયેલા હિમપ્રપાતમાં રસ્તો બનાવતી કંપનીનાં 55 શ્રમિકો બરફના પહાડ નીચે દટાઈ ગયા હતા. જે પૈકી 8 શ્રમિકનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે કેટલાક શ્રમિકો હજુ પણ લાપતા છે.
• ઝારખંડમાં રૂ. 19,125 કરોડનો ગોટાળોઃ ઝારખંડમાં ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા CAGના રિપોર્ટમાં રૂ. 19,125 કરોડના ગોટાળાની આશંકા વ્યક્ત કરાઈ છે. જુદાજુદા વિભાગોમાં હિસાબ કિતાબ રાખ્યા વિના જ કરોડોના ખર્ચા કરવામાં આવ્યા છે.
• હિન્દી- સંસ્કૃતના કારણે 25 ભાષા નાશ પામીઃ સ્ટાલિનઃ તમિળનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્ર દ્વારા હિન્દી થોપવાના આરોપો વિરુદ્ધ કહ્યું કે રાજ્ય પર હિન્દી થોપવાનો પ્રયાસ નહીં ચાલે. તમિલ અને તેની સંસ્કૃતિની રક્ષા કરીશું. હિન્દી મુખોટું છે, સંસ્કૃત છુપાયેલો ચહેરો.
• કેન્દ્ર સરકારે કોર્ટ કેસ લડવા 10 વર્ષમાં રૂ. 400 કરોડ ખર્ચ્યાઃ દીવાની સહિતનાકોર્ટના વિવિધ કેસો પાછળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 400 કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
• નદીઓ ન બચાવી તો રેતી પર હવેનો મહાકુંભ યોજવો પડશેઃ જાણીતા વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે દેશની નદીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં દાવો કર્યો છે કે દેશની નદીઓપર ધ્યાન ન અપાયું તો તે સુકાઈ જશે અને હવેના મહાકુંભનું આયોજન રેતી પર કરવું પડશે.
• દુબઈ ટ્રીપની લાલચ આપી રૂ. 3.47 કરોડના હવાલાઃ પુણે કસ્ટમ્સ વિભાગે રૂ. 3.47 કરોડના અમેરિકન ડોલરના હવાલા રેકેટનો પર્દાફાશ કરી બે શખ્સની ધરપકડ કરી છે. એજન્ટે 3 વિદ્યાર્થીને દુબઈ ટ્રીપની લાલચ આપી આ કૌભાંડ આચર્યું હતું.
• કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં જઈ શકેઃ પંજાબની લુધિયાણા બેઠકની પેટાચૂંટણીમાં સંજીવ અરોરા જીતશે તો તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપવું પડશે. એવામાં અરવિંદ કેજરીવાલનો રાજ્યસભાનો રસ્તો ખુલ્લો થઈ જશે.
• રાજોરીમાં સૈન્ય વાહન પર આતંકી હુમલોઃ જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓજી નજીક આંતકવાદીઓએ સૈન્ય વાહન પર ગોળીબાર કર્યો હતો. જો કે સુંદરબની સેક્ટરના ફાલ ગામ નજીક થયેલા ગોળીબારમાં કોઈ જાનહાનિ
થઈ નથી.
હરિયાણાના રોહતકમાં સાંપલા બસ સ્ટેન્ડથી થોડે દૂર એક સૂટકેસમાંથી કોંગ્રેસની મહિલા કાર્યકર હિમાની નરવાલનો મૃતદેહ મળી આવ્યો. એવી શંકા છે કે 22 વર્ષીય હિમાનીનું ગળું દબાવીને હત્યા કરાઈ છે.

