સુરતઃ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બેઝમેન્ટનાં આગ લાગ્યા બાદ 12 દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. દરમિયાન બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે શિવશક્તિ માર્કેટમાં ફરી આગ ભભૂકી ઊઠી હતી અને પાંચમા માળ સુધી ફેલાઈ જતાં માર્કેટની 832 દુકાનો ખાક થઈ ગઈ હતી. આગથી અંદાજે રૂ. 500થી કરોડથી વધુના નુકસાનની ભીતિ છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થતાં ઘણા વેપારીઓ રડમસ થઈ ગયા હતા. કલાકો સુધી કાબૂમાં ન આવેલી ભીષણ આગને ફાયર વિભાગની 80 ગાડીઓ અને 200 જવાનો દ્વારા બુઝાવાઈ હતી. શિવશક્તિ માર્કેટમાં મંગળવારે સાંજે બેઝમેન્ટમાં શોટસર્કિટ બાદ લાગેલી આગ ફાયર બ્રિગેડે રાતે ભારે જહેમતથી બુઝાવી હતી. 50થી વધુ લોકોને સલામત બહાર કાઢયા હતા. જો કે, તેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. દરમિયાન માર્કેટના બેઝમેન્ટમાં ફરીવાર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. વાયરિંગ બળતાં આગ પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ફરી પહોંચીને કામગીરી શરૂ કરી હતી, પરંતુ કાપડ અને સાડીનો મોટો જથ્થો દુકાનોમાં પડ્યો હોવાના કારણે આગ વિકરાળ બની હતી.
વેપારીના રૂ. 20 કરોડ ખાખ
સુરતના રિંગરોડ પર શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે લાગેલી આગમાં એક વેપારીના રોકડા રૂ. 20 કરોડ સળગીને ખાખ થઈ ગયા હતા. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે, સાહેબ કંઈપણ કરો મને અંદર જવા દો. મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. આ બધા રૂપિયા મારા પણ નથી. અલગ-અલગ પાર્ટીઓના છે. રૂપિયાને કંઈક થયું તો હું બરબાદ થઈ જઈશ, પરંતુ વેપારીની આખી દુકાન આગની ઝપેટમાં હતી એટલે મેયરે વેપારીને અંદર જવા દેવાની પરવાનગી આપી નહોતી.
શિવશક્તિ માર્કેટની 834 દુકાનોમાંથી 500 દુકાનોમાં સાડી અને ટ્રેડ મટિરિયલ્સ હતું, જ્યારે અન્ય દુકાનોમાં સાડીનાં પેકિંગ માટેનાં બોક્સ અને પેકેજિંગ મટિરિયલ્સ હતું. આ આગમાં અંદાજિત રૂ. 500 કરોડનું વેપારીઓને નુકસાન થયું છે. આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. આગ બુઝાવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેપારીઓને અને ફાયરના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરો અને 100 લોકોની ટીમ ખડેપગે રહી હતી. આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયા ચુકવણી અને ઉઘરાણી માટેની બિલબુક સહિતની તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

