સોમનાથને નમન કરી સંકલ્પ પૂર્ણ કર્યો: પ્રધાનમંત્રી મોદી

Wednesday 05th March 2025 04:57 EST
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની યાત્રાએ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રિલાયન્સ દ્વારા નિર્મિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. બાદમાં સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન કરી મહાકુંભમાં લીધેલો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
વડાપ્રધાને સોમનાથની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મેં નક્કી કર્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભ પછી હું સોમનાથ જઈશ. જે સોમનાથ દાદાની કૃપાથી પૂર્ણ થયો છે. મેં બધા દેશવાસીઓ તરફથી એકતાના મહાકુંભની સિદ્ધિને સોમનાથ ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી છે. હું સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરીને ધન્યતા અનુભવું છું. મેં દરેક ભારતીયની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
સોમનાથથી પ્રધાનમંત્રી મોદી સાસણ પહોંચ્યા હતા. જ્યાં મોદીએ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લાયન પર ટોચના તજજ્ઞો સાથે મંથન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને હવે ગતિ મળવાની પૂરી આશા સેવવામાં આવી રહી છે. મોદીએ તેમના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સિંહ દર્શન કર્યા હતા.
સોમનાથમાં મોદીની સોમેશ્વર-કળશ પૂજા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરનાં દર્શન કરીને સોમેશ્વર પૂજા તેમજ કળશ પૂજા કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પાઠશાળાના ઋષિકુમારો તેમજ વિદ્વાન આચાર્યો દ્વારા પૂજા કરાવાઈ હતી, જેમાં સોમનાથ મહાદેવને ગંગાજળનો અભિષેક કરીને પૂજન-અર્ચન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં સોનાના 1,766 કળશ ચડાવવાના છે, જે પૈકી જેની પૂજા બાકી હતી તે તમામ કળશની વડાપ્રધાનના હસ્તે પૂજા કરાઈ હતી. અહીં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પો પણ અર્પણ કર્યાં હતાં.
સાવજોની ફોટોગ્રાફી કરીઃ કેસૂડાની માયા લાગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાસણ ગીર જંગલમાં લાયન સફારીની મજા માણી હતી. આ દરમિયાન તેમણે કેસૂડાનાં ફૂલ પણ તોડ્યાં હતાં. આ પછી વડાપ્રધાને સાસણ ગીર ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અહીં વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું મહત્વ આપીએ છીએ.
વનતારામાં પ્રાણીજતનની પ્રવૃત્તિ નિહાળી
જામનગરમાં 1 ફેબ્રુઆરીના રાત્રીરોકાણ બાદ 2 ફેબ્રુઆરીએ સવારે 5:45 વાગ્યે વડાપ્રધાન રિલાયન્સના રિફાઇનરી પ્રોજેક્ટ ખાવડી સ્થિત 300 એકરમાં ફેલાયેલા 'વનતારા'ની મુલાકાતે ગયા હતા. વનતારા ખાતે પહોંચતાં ત્યાં રિલાયન્સના ચેરમેન મૂકેશભાઈ અંબાણી, નીતાબહેન તથા અનંત અને રાધિકા અંબાણી દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું. સ્વાગત બાદ વડાપ્રધાનનું વનતારામાં સાડા છ કલાક જેટલું રોકાણ થયું હતું, જેમાં તેઓએ હાથીઓના રિહેબિલિટેશન સેન્ટર, વિશ્વની સૌથી મોટામાં મોટી હાથીઓ માટેની ખાસ હોસ્પિટલ તથા રિલાયન્સના ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાની અત્યાધુનિક એનિમલ હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર ઉપરાંત રેસ્ક્યૂ કરાયેલાં વિશ્વભરના દુર્લભ પ્રજાતિનાં પ્રાણીઓ તેમજ સિંહ, વાઘ, દીપડા સહિતનાં પ્રાણીઓના વિભાગોની મુલાકાત લીધી હતી.
અનંત અંબાણીએ તમામ વ્યવસ્થા અને રિલાયન્સના ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાની પ્રવૃત્તિથી વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને બપોરનું ભોજન અંબાણી પરિવાર સાથે લીધું હતું.


comments powered by Disqus