કેવડિયાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગર ખાતે ભારત પર્વ-2025નો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી પી.સી. બરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરાયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતી માત્ર પરંપરાગત સરકારી કાર્યક્રમ બની ગઈ હતી, પરંતુ વિઝનરી મોદીસાહેબને જે કોઈને ના સૂઝે તે સૂઝે છે. તેમણે સરદાર પટેલે ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે. એ જ વ્યવસ્થા, એ જ તંત્ર છતાં જો આગવું વિઝન હોય તો સ્થિતિ બદલી શકાય તે મોદીસાહેબે એસઓયુ અને એકતાનગરના નિર્માણથી પુરવાર કર્યું છે. આ પર્વમાં રોજ સાંજે બે-બે રાજ્યની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે. આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઊભા કરાયા છે. અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોનાં પેવેલિયન બનાવાયાં છે, જેમાં તે રાજ્યોનાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવાશે.
CMએ ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું
સરદાર વલ્લભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે શુક્રવારની સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ શહેરના ગણમાન્ય નાગરિકો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતાના શપથ લીધા હતા. કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી- SoU, એકતાનગરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાદ 1 નવેમ્બર શનિવારથી 15 દિવસ ભારત પર્વનો આરંભ કરાયો છે. આ વર્ષે SoUમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની જેમ રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી કરાઈ, જેમાં દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

