નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કે - 6 અને 11 નવેમ્બરે મતદાન થશે અને 14 નવેમ્બરે પરિણામ આવશે. બિહારમાં મતદાન થાય તે પહેલાં ઓપિનિયન પોલના તારણો મુજબ બિહારમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ભાજપને 120થી 140 મળી શકે છે. તો વિપક્ષના મહાગઠબંધનને 93થી 112 બેઠકો મેળવીને સંતોષ કરવો પડશે. ચૂંટણી સરવે મુજબ ભાજપને 70થી 81, જેડી-યુને 42થી 48, એલજેપીને 5થી 7, ‘હામ’ને 2 બેઠક તો આરએલએમને 2 બેઠક મળી શકે છે.
મહાગઠબંધનની વાત કરીએ તો આરજેડીને 49થી 78 બેઠકો, કોંગ્રેસને 9થી 17 બેઠકો મળી શકે છે. સીપીઆઈ (એમએલ)ને 12થી 14, સીપીઆઈને 1, તો સીપીઆઈ (એમ)ને 1થી 2 બેઠક મળી રહી શકે છે. પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પાર્ટીને સરવેના તારણ અનુસાર માત્ર 1 બેઠક મળી શકે છે.
એનડીએની મત ટકાવારી ઊંચી રહેવાના સંકેત
મત ટકાવારીની વાત કરવામાં આવે તો એનડીએને મહાગઠબંધનને મુકાબલે 2 ટકા વધુ મત મળી શકે છે. સર્વેક્ષણમાં જણવ્યા મુજબ એનડીએને 41થી 43 ટકા મત મળી શકે છે. મહાગઠબંધનને 39થી 41 ટકા મત મળી શકે છે. જનસુરાજ પાર્ટીને 6થી 7 ટકા તથા અન્ય પક્ષોને 10થી 11 ટકા મત મળી શકે છે.
બેઠકોની વર્તમાન સ્થિતિ જોઇએ તો, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. 122 બેઠકે બહુમતી મળી શકે છે. 5 વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી. જો કે તે સમયે આરજેડીને સૌથી વધુ 75 બેઠકો મળી હતી. આરજેડી સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો હતો. ભાજપને 74 બેઠકો, જેડી-યુને 43, કોંગ્રેસને 19, એલજેપીને 1 અને અન્ય પક્ષોને ફાળે 31 બેઠક ગઈ હતી.

