અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબર માસમાં નાના-મોટા મળીને ભૂકંપના 100 આંચકા આવ્યા હતા. જેની મહત્તમ તીવ્રતા 3.5 ની નોંધાઈ હતી. આમાંથી મોટાભાગના આંચકા ઓછી તીવ્રતાના હતા, છતાં લોકોમાં ચિંતા હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધરતી વારંવાર ધ્રુજતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ગુજરાતમાં આવેલા 100 પૈકી 51 ભૂકંપ 2થી 3.5ની તીવ્રતાના રહ્યા હતા. કચ્છના ધોળાવીરા, રાપર અને આસપાસના વિસ્તારમાં અનેકવાર ધરતી ધ્રુજી હતી. 5 ઓક્ટોબરે રાત્રે 10:33 વાગ્યે રાપર પાસે 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જ્યારે 12 ઓક્ટોબરે રાત્રે 9:48 વાગ્યે ધોળાવીરા પાસે 3.2 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

