કચ્છના મોટા રણ સાથે સદીઓ જૂનો સંબંધ ધરાવતાં કુંજ પક્ષી હજારો કિલોમીટરનો પંથ કાપી ચરિયાણ માટે ઊતર્યાં છે. મોટા રણની પશ્ચિમે કીરો ડુંગરથી માંડી પૂર્વે ધોરડોના શ્વેત રણ સુધીના અફાટ રણ વચ્ચે હાલ લાખોની સંખ્યામાં વિલાયતી યાયાવર પક્ષીનાં પગરણ થયાં પછી રણપ્રદેશ તેમના મધુર ધ્વનિથી ગાજી ઊઠ્યો હતો. સારા વરસાદ પછી રણમેદાનો વચ્ચે રકાબી જેવા પ્રાકૃતિક ભાગોમાં પાણી ભરાય છે. ભરાયેલા જળભંડારને સ્થાનિક લોકો ઢંઢ કહે છે. બન્નીમાં હંજ તળાવ, મોકર ઝીલ, વેકરિયો ઢંઢ, સેરવો ઢંઢ, સોદ્રાણા ઢંઢ, છારી ઢંઢ જેવા અનેક ઢંઢ છે.

