ગિરનારની લીલી પરિક્રમા વરસાદના કારણે પહેલીવાર રદઃ પ્રતીકાત્મક પરિક્રમા કરાઈ

Wednesday 05th November 2025 05:16 EST
 
 

જૂનાગઢઃ ગિરનાર જંગલ વિસ્તારમાં પરિક્રમા પૂર્વે માવઠાના કારણે પરિક્રમા રૂટના માર્ગો ધોવાઈ જતાં તંત્રએ શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાને રાખી માત્ર સાધુ-સંતો દ્વારા સનાતન પરંપરા જાળવવા પ્રતીકાત્મક પરિક્રમા યોજવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે પરિક્રમા પ્રતીકાત્મક બનવાની આ પહેલી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બરથી પરિક્રમાની શરૂઆત થવાની હતી.
સંતો પ્રતીકાત્મક પરિક્રમામાં જોડાયા
આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાની પૂર્વે જ માવઠાના કારણે રૂટ પરના રસ્તાનું ધોવાણ થયું હતું, જેના કારણે તંત્રએ આ વર્ષે પરિક્રમા પ્રતીકાત્મક યોજવાનો નિર્ણય કર્યો હતો. જેને અનુરૂપ શનિવારે રાત્રે 12 વાગ્યે પૂજા કરી રવિવારે વહેલી સવારે સાધુ-સંતો, ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ, હેલ્થ ટીમ અને વનવિભાગના ગાર્ડ સહિતના મળી કુલ 40 લોકોએ પરિક્રમા કરી હતી.
છતાં ભાવિકોનું ઘોડાપૂર
જૂનાગઢમાં લીલી પરિક્રમા રદ કરાઈ છતાં હજારોની સંખ્યામાં યાત્રિકો ઊમટી પડતાં ભવનાથ રોડ પર મેળા જેવો માહોલ જામ્યો હતો, તથા અન્નક્ષેત્ર ધમધમવા માંડ્યાં હતાં. ઉત્સાહી યાત્રિકો પરિક્રમાના ગેટ સુધી પહોંચી ગયા હતા.


comments powered by Disqus