અમદાવાદઃ 31 ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મી ‘મિસરી’ રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલાં ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા અમદાવાદના રસ્તા પર કરાયેલા પ્રમોશન દરમિયાન કાયદાના ધજાગરા ઉડાવાતા હોય તેવા વીડિયો વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાઇક ચલાવી રહેલા પ્રેમ ગઢવી, ટીકુ તલસાણિયા અને જેસલ જાડેજાની ઓળખ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ફિલ્મનું પ્રિમીયર યોજાવાનું હતું.
રાઇડ બાદ માનસી પારેખે કહ્યું કે, અમે બહુ મજા કરી. જ્યારે પ્રેમ ગઢવી બોલ્યો કે, આ એક મેમરેબલ રાઇડ હતી અને ટીકુ તલસાણિયાએ કહ્યું કે, વી એન્જોય રાઇડ. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમની અટક બાદ તેમની પાસેથી માફીનો વીડિયો બનાવડાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે અંતર્ગત વીડિયોમાં દેખાતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાની ધરપકડ કરાઈ હતી.
ટીકુ તલસાણિયાએ માફી માગી
પોલીસના અટકાયતી પગલાં બાદ ફિલ્મના કલાકારો દ્વારા તેમની ભૂલ સ્વીકારવામાં આવી હતી. દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણિયાએ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા કારણે લોકોને રસ્તામાં તકલીફ પડી તે બદલ અમે દિલગીર છીએ. આવાં સ્ટંટ ન કરવાં જોઈએ, જેનાથી આપણું અને અન્ય લોેકોનું જીવન જોખમાય. ઘટના અંગે પ્રોડ્યુસરે બચાવ કરતાં કહ્યું હતું કે, બાઇક પર થયેલો સ્ટંટ કોઈ નિયત સ્થળ કે પ્રમોશન માટે નહોતો. તે રેન્ડમ બન્યો હતો, જે વાઇરલ થઈ ગયો.

