અમદાવાદઃ ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ એક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને દેશો 10 વર્ષની ડિફેન્સ ડીલ પર સહમત થયા છે. રાજનાથસિંહે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
છેલ્લા ઘણા મહિનાથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો તણાવપૂર્ણ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ નિર્ણય અને ભારત-પાકિસ્તાન સંઘર્ષને રોકવાના તેમના વારંવારના દાવા તેમાં મોટું કારણ બનતા હતા. દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે એક ડિફેન્સ ડીલ થઈ છે. આ કરાર હેઠળ યુએસ અને ભારતે 10 વર્ષના સંરક્ષણ માળખા પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી કરી.
મલેશિયાના કુલાલુમ્પુરમાં આસિયાન રક્ષામંત્રીઓની બેઠક-પ્લસ (એડીએમએમ-પ્લસ) યોજાઈ હતી, જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભાગ લેવા પહોંચ્યા હતા. દરમિયાન રાજનાથસિંહે શુક્રવાર યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે ‘એડીએમએમ-પ્લસના 15 વર્ષ પર ચિંતન અને આગળનો માર્ગ નક્કી કરવા’ વિષય પર મુલાકાત કરી હતી.
પીટ હેગસેથે જણાવ્યું, ‘હું સંરક્ષણમંત્રી રાજનાથસિંહને મળ્યો. તેમણે જણાવ્યું કે યુએસ-ભારત સંરક્ષણ માળખા પર 10 વર્ષ માટે હસ્તાક્ષર કરાયા છે. આ આપણી સંરક્ષણ ભાગીદારીને આગળ વધારે છે, જે પ્રાદેશિક સ્થિરતાનો આધારસ્તંભ છે. અમે અમારું સંકલન, માહિતી શેરિંગ અને તકનિકી સહયોગ વધારી રહ્યા છીએ. અમારા રક્ષાસંબંધો પહેલા ક્યારેય આટલા મજબૂત રહ્યા નથી.’

