નવી દિલ્હીઃ રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ યથાવત્ છે. જો કે આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકાએ ઇરાનસ્થિત ચાબહાર પોર્ટ પરિયોજના માટે પ્રતિબંધોની છૂટની સમયસીમા વધારી છે. ચાબહાર પોર્ટ પર અમેરિકન પ્રતિબંધથી ભારતને 6 મહિનાની છૂટ મળી છે.
ચાબહાર પોર્ટ પર અમેરિકાની છૂટની સમયસીમા 27 ઓક્ટોબરે પૂર્ણ થઈ ચૂકી હતી. ભારતે મે 2024થી ઇરાન સાથે 10 વર્ષ માટે ચાબહાર બંદરના સંચાલન માટે સમજૂતી કરેલી છે, જે બાદ ભારતીય પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડે શાહીદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. ભારતે આ બંદરના વિકાસ માટે ખૂબ મોટું રોકાણ કર્યું છે. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન પોતાના હાથમાં લીધું છે. આ પહેલાં 2016ની સમજૂતી દરવર્ષે નવીનીકૃત કરવામાં આવે છે.
ચાબહાર પોર્ટ ભારત માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પાકિસ્તાનને બાયપાસ કરતાં અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો વેપારી માર્ગ ખુલ્લો કરી આપે છે. ભારતે વર્ષ 2023માં આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર દ્વારા ક્ષેત્રીય કનેક્ટિવિટીને મજબૂત કરી શકાય.
