રાજસ્થાનના થારથી કચ્છના રણ સુધી સેનાનું ઓપરેશન ‘ત્રિશૂલ’

Wednesday 05th November 2025 05:17 EST
 
 

ગાંધીનગરઃ પાકિસ્તાન વિરુદ્ધ ગત મે મહિનામાં લોન્ચ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી હવે પહેલીવાર ભારતે પશ્ચિમ ફ્રન્ટ પર ત્રણેય સેનાની સંયુક્ત શક્તિનું પ્રદર્શન શરૂ કર્યું છે. ‘ત્રિશૂલ’ નામે લોન્ચ કરાયેલા સંયુક્ત યુદ્ધાભ્યાસમાં 12 દિવસ સુધી (30 ઓક્ટોબરથી 10 નવેમ્બર) આર્મી, નેવી અને એરફોર્સ એકીકૃત રીતે કલ્પિત દુશ્મનનાં ઠેકાણાં પર આક્રમણ અને બચાવનો અભ્યાસ કરશે. થારના રણથી લઈને કચ્છના રણ અને ગુજરાતના તટ અને અરબી સાગર સુધી દુશ્મનને પરાજિત કરવા ત્રણેય સેનાના જાંબાજ સામેલ થયા છે. આકાશમાં 28 હજાર ફૂટની ઊંચાઈ, રેતીલા પહાડ, કચ્છની ક્રીકમાં આર્મીના પેરા કમાન્ડો, એરફોર્સના ગરુડ, નેવીના માર્કોસ કમાન્ડોની આક્રમક કામગીરી દેખાશે.
સિરક્રીકની કુલ લંબાઈ આશરે 68 કિલોમીટર છે, જ્યારે તેનાથી આગળનો હેવી મડ એરિયા (દલદલ) ધરાવતો વિસ્તાર બોર્ડર પિલર નંબર 1175 પર સમાપ્ત થાય છે, તે 36.4 કિલોમીટરનો છે. આ જમીન પૈકી 104.4 કિ.મી. વિસ્તારમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. આ મામલે રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતના ભાગ પર ગેરકાયદે કબજાનો પ્રયાસ ન કરવા ચેતવણી આપી કહ્યું કે, ભારતીય વિસ્તાર પર દાવો કરવાના કોઈપણ પ્રયાસને એવો જવાબ અપાશે કે જે ‘ઇતિહાસ અને ભૂગોળ બદલી દેશે’.


comments powered by Disqus