વડોદરાઃ રવિવારે દેવઊઠી એકાદશી નિમિત્તે વડોદરા જિલ્લા આસપાસના જૂના વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગાયકવાડ રાજ પરિવારનાં રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડે ભગવાન વિઠ્ઠલનાથજીનાં પૂજન-અર્ચન અને આરતી બાદ 216મા ભવ્ય વરઘોડાનો રાજાશાહી ઢબે પ્રસ્થાન કરાવાયું હતું. પરંપરા મુજબ વર્ષોથી યોજાતો આ ભવ્ય વરઘોડો રવિવારે પણ આનંદ, શાંતિ અને ભક્તિભાવના માહોલમાં નીકળ્યો હતો.
વરઘોડાનું પ્રસ્થાન વડોદરાના માંડવી વિઠ્ઠલનાથ મંદિરથી કરાયું, જે લહેરીપુરા, ન્યાયમંદિર, નવા કારેલીબાગ રોડ અને લીંબુવાડી થઈ ગણેશ્વર મહાદેવ સુધી જશે. અહીં હરિહર મિલન બાદ પ્રભુની પાલખી સાંજે નિજમંદિરે પરત ફરી હતી. વરઘોડામાં ભગવાનની ઝાંખી મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઢોલ-નગારાં, બેન્ડબાજાં અને પરંપરાગત સ્વરૂપે શોભાયાત્રા નીકળી હતી. વિઠ્ઠલનાથજીની પાલખી પસાર થઈ શકે તે માટે કોર્પોરેશન દ્વારા માર્ગને ખુલ્લા કરાવાયા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો. રાજમાતા શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ સાથે અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

