સુરતઃ સુરતના 33 વર્ષીય વેપારી પિયૂષ દેસાઈ 21 હજાર જરૂરિયાતમંદ દીકરીઓની રૂ. 15 કરોડની ફી ચૂકવશે. તેઓ એક વિદ્યાર્થિનીદીઠ રૂ. 7500ની મદદ કરશે. સરકારી શાળાઓમાં ફી ભરવાની હોતી નથી, તો સ્ટેશનરી કે અન્ય કોઈ રીતે આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. મૂળ બનાસકાંઠાના નાણોટા ગામના પિયૂષ દેસાઈ સુરતમાં ટેક્સટાઇલ અને બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
રૂ. 15 કરોડથી વધારે રકમ દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની તૈયારી બતાવતાં પિયૂષ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન કન્યા કેળવણી પર વધારે ભાર મૂકે છે, તે વાતને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી દીકરી દીઠ રૂ. 7500 અને 21મી સદી હોવાથી 21 હજારનો આંકડો નક્કી કરી શૈક્ષણિક સહાયનો સંકલ્પ કર્યો છે.
હીરાબાનો ખમકાર યોજના હેઠળ સુરત શહેરની તમામ શાળામાં ભણતી દીકરીઓમાંથી જે જરૂરિયાતમંદ હોય અથવા માતા-પિતા ન હોય તેવી દરેક દીકરીઓની ફી ભરાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતી દીકરીઓને ફી ભરવાની હોતી નથી, પરંતુ તેઓને જરૂરિયાત મુજબ સ્ટેશનરી અથવા તો શૈક્ષણિક કોઈપણ ચીજવસ્તુઓ માટે રૂ. 7500 અમે આપીશું.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ અંતર્ગત 251 દીકરીને સહાય આપી કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. ધનતેરસના દિવસે વધુ 151 દીકરીઓને સહાય કરાઈ. વર્ષના અંતે 21 હજાર દીકરીઓને રૂ. 15 કરોડથી વધારેની સહાય પૂર્ણ કરી અપાશે. દીકરીઓને શૈક્ષણિક સહાય આપવાનો હેતુ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે દીકરી માતા-પિતા અને સાસરી બે કુળને તારે છે. આવનારી પેઢીને પણ શિક્ષિત અને સંસ્કારી કરે છે, તેથી દીકરીનું શિક્ષણ એ સમાજ માટે ખૂબ મહત્ત્વનું છે.

