અમદાવાદઃ મિડ યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેકસ રિપોર્ટમાં અબુધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત, જ્યારે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. જેનાં મુખ્ય 4 પરિબળ એ છે કે લોકોની સુરક્ષા માટે 25 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. પોલીસની પીસીઆરનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા, બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેક્શન દર 95થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, ભૂતકાળનાં વર્ષો કરતાં હાલમાં હત્યા, ધાડ, લૂંટ, ચોરી, અપહરણ જેવા ગુનાનું પ્રમાણ 15થી 20 ટકા ઘટ્યું છે. જેની સામે આવા ગંભીર ગુનામાં પોલીસનો ડિટેક્શન દર 95થી 100 ટકા છે, જેની પાછળનું સૌથી મોટું કારણ સીસીટીવી કેમેરા છે. સેફ સિટી, નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 4 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. જેનું સીધું મોનિટરિંગ પોલીસ કંટ્રોલરૂમ તેમજ પાલડી ખાતેના કંટ્રોલ રૂમથી થાય છે.