અમરેલી વનવિસ્તારમાં 15 સિંહો-બાળસિંહનાં ભેદી બીમારીથી મોત

Wednesday 06th August 2025 05:23 EDT
 
 

ખાંભાઃ અમરેલી જિલ્લાના વનવિસ્તાર નજીક જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસ બે દિવસમાં 3 સિંહબાળ સહિત કુલ 15 સિંહ અને સિંહબાળનાં મૃત્યુ થયાં છે. એકસાથે આટલા સિંહનાં મોતથી ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. વનવિભાગે આ અંગે 3 સિંહણ અને 3 સિંહબાળને આઇસોલેટ કરી તેમના બ્લડ સેમ્પલની ચકાસણી શરૂ કરી છે.
જાફરાબાદ, કાગવદર સીમ વિસ્તારમાં સિંહબાળોનાં ટપોટપ મોતથી વનતંત્ર સતર્ક બન્યું છે. સિંહોમાં કોઈ ભેદી બીમારીની આશંકાએ પશુ ચિકિત્સકોની ટીમ અને ટોચના અધિકારીઓ દ્વારા સિંહોના જૂથને જુદાં પાડી તેમનાં સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. પાલિતાણા શેત્રુંજી વિભાગના ડીસીએફ ધનંજયકુમાર સાદુએ જણાવ્યું કે, સિંહોના એક જૂથને સેમ્પલની ચકાસણી માટે આઇસોલેટ કરવામાં આવ્યું છે.
વધુ એક સિંહણનું મોત
અમરેલી જિલ્લામાં સિંહોનાં મોતની ઘટના વધતાં વનવિભાગમાં દોડધામ મચી છે, ત્યારે રાજુલાના આગળિયા ગામ નજીક વધુ એક સિંહણનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 3 સિંહબાળનાં મોત થયાં હતાં. ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહે પુષ્ટિ કરતાં જણાવ્યું કે, પાલિતાણાના રાજુલા વિસ્તારની મુલાકાત લીધી છે. હાલમાં જે રેસ્ક્યૂ કરાયેલા સિંહો છે તે સ્વસ્થ છે. સાવચેતીના ભાગરૂપે સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી છે અને જરૂરી પગલાં લેવાશે. વધુ એક સિંહણનું મોત થયું છે, પરંતુ કુદરતી રીતે થયું છે. એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા સિંહબાળ અને સિંહો અંગે પણ તપાસ ચાલુ છે. સિંહોનાં મોત થતાં રાજકીય માહોલ પણ ગરમાયો હતો. રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને પત્ર લખી વનવિભાગની બેદરકારી અંગે તપાસની રજૂઆત કરી હતી.

વિશ્વ સિંહદિવસ ‘ગીરની દિવાળી’ તરીકે ઊજવાશે

સાવરકુંડલાઃ ગીર પૂર્વ વનવિભાગ દ્વારા આગામી 10 ઓગસ્ટે વિશ્વ સિંહદિવસની ઉજવણીના ભાગરૂપે ધારી શહેર નજીક આવેલા કેસરી સદન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક ગીર પૂર્વ વનવિભાગના નાયબ વન સંરક્ષક DCF વિકાસ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સોલંકી તેમજ વિશ્વ સિંહદિવસ ઉજવણીના જિલ્લા કો.ઓર્ડિનેટર અજિતસિંહ ગોહિલ સહિત વનવિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, સર્કલ ઓફિસર અને તાલુકા કો.ઓર્ડિનેટર જેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus