દહેરાદૂનઃ ઉત્તરાખંડના ધરાલીમાં મંગળવારે વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું. આ ઘટના મંગળવારે બપોરે 1:45 વાગ્યે બની હતી. સૌ પ્રથમ 12600 ફૂટ ઊંચા પહાડ પરથી પાણી ધસી આવ્યું, જે બાદ બીજા ફ્લોમાં મોટા પ્રમાણમાં પથ્થર અને કીચડ સહિતનો કાટમાળ ધસી આવ્યો હતો. આમ માત્ર 35 સેકન્ડમાં જ શાંત અને સુંદર પહાડી ગામ તબાહ થઈ ગયું.
આ પૂરમાંં ઘણાં ઘર અને હોટેલો દબાઈ ગયાં, જે અંગે પ્રશાસન દ્વારા 4 મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા બન્યા છે. જો કે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘટના સમયે ગામમાં 200 લોકો હાજર હતા, જેથી મોતનો આંકડો ઘણો મોટો હોવાની પૂર્ણ સંભાવના છે.
ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું કે, અત્યાર સુધી 4 લોકોનાં મોત થયાં છે. ઘટનાના પગલે સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગંગોત્રી જવાના માર્ગ પર ધરાલી એક મહત્ત્વપૂર્ણ સ્ટોપ છે. અચાનક આવેલા પૂરના કારણે ડઝનબંધ હોટેલ્સ અને હોમ સ્ટે પત્તાંના મહેલની જેમ તણાયાં હતાં. તેમાં મોટી સંખ્યામાં કામદારો દટાયા હોવાની શક્યતા છે.
સેના કેમ્પ પણ ઝપેટમાં
વાદળ ફાટતાં સર્જાયેલ મડ સ્લાઇડમાં હર્ષિલના તેલઘાટમાં આવેલો સેના કેમ્પ પણ ઝપેટમાં આવી ગયો છે, જ્યાં આર્મી મેસ અને કેફેમાં 14 રાષ્ટ્રીય યુનિટની તહેનાતી છે. આ સ્થિતિમાં સેનાના ઘણા જવાનો પણ લાપતા થયા છે.