જામનગરઃ જામનગરના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં તેઓ ગુજરાતના એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે.
જામનગર સિંચાઈ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નચિકેતા ગુપ્તાએ નોકરીની જવાબદારી વચ્ચે પણ કાયાકિંગના કૌશલ્યને વધાર્યું છે. તેઓ માત્ર કાયાકર જ નથી, પરંતુ એડવેન્ચર એથ્લીટ પણ છે. સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિયરિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિમાં પણ તેઓ નિપુણતા ધરાવે છે. નચિકેતા જણાવે છે કે, ‘આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. હું ઇચ્છું છું કે વધુ યુવાઓ વ્હાઇટ વોટર કાયાકિંગ જેવી રમત તરફ પ્રેરાય.’
મલાબાર રિવર ફેસ્ટિવલ કેરળના કોઝિકોડ જિલ્લાના પેરિયાર, ચાલીપુઝા અને ઇરૂવાઝિંજી નદીઓ પર આયોજિત થાય છે. દર વર્ષે ભારત તથા યુરોપ, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા 10થી વધારે દેશોના શ્રેષ્ઠ કાયકરો આમાં ભાગ લે છે. સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓમાં બોટર ક્રોસ, ડાઉન રિવર રેસ અને એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ સ્લેલોમ સામેલ છે. આ સ્પર્ધામાં રમતકૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ, સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે.
કાયાક એક સાંકડી અને લાંબી બોટ હોય છે. કાયાકિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે. વ્હાઇટ વોટર કાયકિંગમાં પર્વતીય વિસ્તારોની ઝડપી અને ઊછળતાં પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે. આ રમત ઊંડા જળપ્રવાહ, પથ્થરો અને વળાંકોથી ભરેલી હોવાથી દમદાર કૌશલ્ય, શારીરિક તાકાત અને સતર્કતા જરૂરી છે.