નવી દિલ્હીઃ ગયા મહિને 28 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના દાચીગામમાં મહાદેવ પહાડીઓના જંગલમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવ વખતે ઠાર મરાયેલા ત્રણેય આતંકી પાકિસ્તાની નાગરિક હતા. તેમના સેટેલાઇટ ફોનથી મળી આવેલા બાયોમેટ્રિક ડેટા અને સરકારી ઓળખપત્રના આધારે આ સ્પષ્ટતા થઈ છે. ત્રણેય આતંકી લશ્કર-એ-તોઇબાના સભ્યો હતા અને ત્રણેય પહલગામ આતંકી હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળો દ્વારા એકત્ર કરાયેલા પુરાવા આ દાવાને સમર્થન આપે છે. ત્રણેય પહલગામ હુમલાને અંજામ આપ્યા પછી દાચીગામ-હરવાન વિસ્તારમાં છુપાયેલા હતા. સુરક્ષા દળો દ્વારા એકત્ર કરાયેલા પુરાવા મુજબ પહલગામ ખાતે થયેલા ગોળીબારમાં એક પણ સ્થાનિક કાશ્મીરી સામેલ નહોતો.