અમદાવાદઃ કબૂતરબાજી રેકેટના મુખ્ય સૂત્રધાર ભરત પટેલ ઉર્ફે બોબીના ભાગીદાર બિપીન દરજીની સ્ટેટ મોનિટરિંગ સેલે શુક્રવારે રાત્રે દસ વાગ્યે વિજાપુર ચોકડીથી ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફેક પાસપોર્ટ સહિતનો જથ્થો ઝડપાતાં મોનિટરિંગ સેલે બોબી પટેલ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ગુનો દાખલ થતાં જ આરોપી બિપીન દરજી પોલીસથી બચવા વિસનગર, મહેસાણા, વિજાપુર, ઊંઝા, રાજસ્થાનના જેસલમેર, બિકાનેર, રણુજા અને મુંબઈ છેલ્લા અઢી વર્ષથી ભાગતો ફરતો રહ્યો હતો. બિપીન દરજીની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ ફોન, કાર અને રૂ. 1200ની રોકડ મળી રૂ. 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપી બિપીન ગેરકાયદે કબૂતરબાજીનું રેકેટ ચલાવતા ભરત પટેલ ઉર્ફ બોબીનો ભાગીદાર હતો.