અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યાર સુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં મગફળી, સોયાબીનમાં 100 ટકાથી વધુ વાવણી થઈ ચૂકી છે.
હાલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 60 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ડાંગમાં 54 ઈંચ, નવસારીમાં 46.71 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 100 ટકા અથવા તેનાથી વધુ વરસાદ ધરાવતા તાલુકાની વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા-વડાલી, બનાસકાંઠાના વડગામ, પાલનપુર, દાંતીવાડા, દાંતા, ખેડાના નડિયાદ, જામનગરના જોડિયા, બોટાદના ગઢડા, ભાવનગરના સિહોર, ઉમરાળા, વલ્લભીપુરનો સમાવેશ થાય છે.
11 વર્ષની સરેરાશ કરતાં ઓછો વરસાદ
છેલ્લાં 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતાં આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લાં ચાર વર્ષની સરખામણીએ પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલાં 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢમાં સૌથી વધુ 21 ઈંચ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી, મોરબી અને કચ્છમાં સૌથી ઓછો 12-12 ઈંચ નોંધાયો છે. ચોથી ઓગસ્ટની સ્થિતિએ 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતાં હાઇએલર્ટ, 23 ડેમ એલર્ટ અને 24 ડેમ વોર્નિંગ હેઠળ છે. હજુ પણ 25 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 34, જ્યારે 25 ટકાથી 50 ટકા વચ્ચે જળસ્તર હોય તેવાં 37 જળાશયો છે. સરદાર સરોવરનું જળસ્તર વધીને 78 ટકા થઈ ગયું છે.
સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે, જે ગત વર્ષે આ જ સમયે 51.54 ટકા જ હતો. એટલે કે ગતવર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે.
કચ્છ ઝોનના ડેમની સ્થિતિ
કચ્છ જિલ્લાના 20 ડેમમાં 1 ઓગસ્ટ 2024ના રોજ 52.25 ટકા જળસંગ્રહ હતો. તેની સરખામણીએ આ વર્ષે 3 ટકા વધુ એટલે કે 55.21 ટકા જળસંગ્રહ થયેલો છે.