શ્રાવણ સુદ સાતમ જામનગર માટે ઐતિહાસિક દિવસ છે. ઈ.સ. 1540માં આ જ દિવસે નવાનગરની સ્થાપના કરાઈ હતી, જે આજે જામનગર તરીકે વિશ્વના નકશે ઝળહળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરાયું. સાથે વિવિધ વિભૂતિની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. દરબારગઢ નજીક દિલાવર સાઇકલ સ્ટોરમાં આવેલી શહેરની સ્થાપના સમયની ખાંભીનું રાજવી પરિવારના સભ્યો, ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પૂજન કરાયું હતું. આ અવસરે શહેરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબહેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા.

