રાંચીઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેને લાંબી બીમારી બાદ સોમવારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક આશ્રયદાતા શિબુ સોરેન એક મહિનાથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. શિબુ સોરેનને જૂનના છેલ્લા સપ્તાહમાં કિડની સબંધી સમસ્યાના કારણે દાખલ કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદ્દીએ પણ શિબુ સોરેનના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ દુઃખની આ ઘડીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ શિબુ સોરેનના ખબર પૂછવા હોસ્પિટલની મુલાકાત લઈ હેમંત સોરેન અને કલ્પના સોરેનને સાંત્વના આપી હતી.
શિબુ સોરેનના અવસાનની પુષ્ટિ કરતાં મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આદરણીય દિશોમ ગુરુજી આપણને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું. હોસ્પિટલે જણાવ્યું હતું કે પૂર્વ સીએમને સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. કિડનીની સમસ્યાથી પીડિત સોરેનને દોઢ મહિના પહેલાં સ્ટ્રોક આવ્યો હતો. તેઓ છેલ્લા એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. આઇસીયુમાં ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સિનિયર આદિવાસી નેતા શિબુ સોરેને 38 વર્ષથી વધુ સમય ઝારખંડ મુક્તિ મોરચાનું નેતૃત્વ કર્યું હતું.