અમદાવાદઃ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ હવે સત્વરે થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા ત્યારે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના સંગઠન મંત્રી પણ હાલ દિલ્હીમાં જ છે. આ જોતાં હવે ગુજરાત ભાજપના સંગઠન ઉપરાંત સરકારમાં પણ પરિવર્તન આવી શકે છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાનન મુલાકાત બાદ હવે ટૂંક સમયમાં જ ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પ્રમુખનું નામ લગભગ એકાદ માસ પહેલાં જ નક્કી થઈ ગયું હતું. સોમવાર અને મંગળવારે સાંસદો-ધારાસભ્યો ગાંધીનગર આવતા હોવાથી તે દિવસોમાં જ નવા અધ્યક્ષની ચૂંટણી સાથેની નિયુક્તિની પ્રક્રિયા કરાઈ શકે છે. આ ઉપરાંત આવતા સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળે તે પૂર્વે સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફારો આવી શકે છે.
શુક્રવારે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, મહામંત્રી બી.એલ. સંતોષ તથા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે મુલાકાત થઈ હતી, તે પછી આ ચર્ચા તેજ થઈ ગઈ છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશના અધ્યક્ષના નામને લઈને પણ જાહેરાત થઈ શકે છે, કારણ કે ઉત્તરપ્રદેશના નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ પણ યાદવની જેમ નડ્ડા અને સંતોષ સાથે શુક્રવારે મુલાકાત કરી આવ્યા છે.
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા CMની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ
ગાંધીનગરઃ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં UCCની બેઠક યોજાઈ, જેમાં યુસીસી રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા થઈ. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ જણાવ્યું હતું કે, ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દા અંગે વિચારણા કરાઈ છે.
ગુજરાત UCC ના અધ્યક્ષનું નિવેદન
ગુજરાત UCC ના અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, UCC રિપોર્ટ 1 મહિનામાં સોંપાશે. ગુજરાત UCC નો રિપોર્ટ સોંપતાં હજુ 1 મહિનાનો સમય લાગશે. આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે, તેમજ અલગ અલગ જગ્યા પર UCC એ લોકોને સાંભળ્યા છે. અમારે હવે વધુ એક્સટેન્શનની જરૂર નથી.