ભાવનગરઃ ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા છેલ્લાં સાત વર્ષથી દેશના સીમાડે ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે પણ સંઘ સાથે જોડાયેલા 11 શાળાના 100થી વધુ વિદ્યાર્થીએ 2500 રાખડી જાતે બનાવીને સૈનિકોને મોકલાવી છે. ‘એક રાખી ફૌજી કે નામ’ પ્રોગ્રામ હેઠળ શરૂ થયેલી આ પહેલમાં આ વર્ષે 2500 રાખડી મોકલાવી છે. વિદ્યાર્થીઓએ રાખડી સાથે 200 જેટલા લાગણીસભર પત્ર પણ લખીને મોકલ્યા છે. જિલ્લા સંઘ દ્વારા ત્રણ દિવસ સુધી રોજ બે કલાક વિદ્યાર્થીઓ પાસે રાખડી બનાવવાનું કાર્ય કરાવડાવ્યું હતું. તમામ સામગ્રી જિલ્લા સંઘ દ્વારા પૂરી પડાઈ હતી.

