અમદાવાદઃ “ચારેય બાજુ અંધારું હતું. શું થઈ રહ્યું છે તેનો મને કોઈ ખ્યાલ નહોતો. મારા હાથમાં મારો 8 માસનો પુત્ર ધ્યાનશ હતો. એ મને એવી રીતે જોતો હતો કે જાણે કહેતો હોય કે મમ્મી બચાવી લે. મને એવું હતું કે આજે હું બચીશ નહીં. મનમાં માત્રને માત્ર ધ્યાનશને ગમે તે રીતે બચાવી લેવાનો વિચાર કર્યો અને હિંમતભેર આગનો સામનો કરી બી.જે. મેડિકલની હોસ્ટેલથી બહાર આવી શકી.’ ડૂમો ભરેલો અવાજ અને આંખમાં આંસુ સાથે આ શબ્દો છે એ માતાના જેમણે પોતાના પુત્રને ભીષણ આગમાંથી છાતી સરસો ચાંપી મોતને માત આપી. એટલું જ નહીં 36 ટકા જેટલા દાઝી ગયેલા માસૂમ બાળકને પોતાની ત્વચા આપી એક ઉત્તમ ભવિષ્ય પ્રદાન કર્યું.
30 વર્ષનાં મનીષા કાછડિયા અને તેમનો 8 માસનો પુત્ર ધ્યાનશ પ્લેનક્રેશ ઘટના વખતે બી.જે. મેડિકલની હોસ્ટેલમાં હતા. તેઓ કહે છે કે, એક ક્ષણ મને લાગ્યું કે હું બચીશ નહીં, પણ મારે મારા બાળક માટે જીવવું જ હતું. અમે હેમખેમ બહાર નીકળી ગયાં. મારા બાળકનો જીવ તો બચી ગયો પણ આગને કારણે તેની ત્વચા 36 ટકાથી વધુ દાઝી ગઈ હતી. આવા સમયે માતાએ બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખી પોતાની ત્વચા આપી હતી
કે.ડી. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો.અદિત દેસાઈ કહે છે કે, એક માતાના સાહસ અને અમારી નિષ્ણાત ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલી સારવારનું આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય.