ભરૂચઃ અંકલેશ્વરઃ ભરૂચમાં વર્ષ 2015માં અંડરવર્લ્ડની દોરવણીથી આરએસએસ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ પ્રજ્ઞેશ મિસ્ત્રીની ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર જિલ્લા સહિત રાજ્યને હચમચાવી દીધું હતું. જેમાં ભરૂચના યુનુસ માંજરા સહિત 13 આરોપીને એનઆઇએની ટીમે ઝડપી પાડ્યા હતા. મામલામાં શુક્રવારે એનઆઇએની ટીમે ભરૂચમાં ધામા નાખી યુનુસ માંજરાની બે મિલકત ટાંચમાં લઈ સીલ કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ ભાજપના યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની શિરીષ બંગાળીની પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી ડબલ મર્ડરની ઘટના વર્ષ 2015માં બની હતી. તપાસ દરમિયાનમાં સાઉથ આફ્રિકાથી જાવેદ ચિકનાએ શિરીષ બંગાળી સહિત 4 જણાની હત્યા કરવા રૂ. 50 લાખની સોપારી આપી હતી.