રાજકોટઃ રાજકોટ એઇમ્સ સારવારને બદલે વિવાદ માટે કુખ્યાત બની છે. કેમ્પસની અંદર જ ફાર્માના વિદ્યાર્થીને મેડિકલ સ્ટોરમાં ઘુસેલો સાપ કરડ્યો. જો કે વિદ્યાર્થીને એઇમ્સ જેવી હોસ્પિટલમાં હોવા છતાં સારવાર મળી નહોતી અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
સાપે 3 વખત દંશ આપ્યો
રાજકોટ એઇમ્સના જનઔષધિ સ્ટોરમાં પાર્ટટાઇમ નોકરી કરતા ફાર્મસીનો વિદ્યાર્થી અરમાન જેઠવા 28 જુલાઈએ રાત્રે 10 વાગ્યે મેડિકલ સ્ટોરમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન દવા લેવા જતાં તેના ડબ્બા પાછળ છુપાયેલા સાપે તેને દંશ માર્યો હતો. પહેલાં તો તેને ખ્યાલ ન આવ્યો અને ફરી હાથ નાખ્યો એટલે બીજા બે દંશ માર્યા અને સાપે હાથમાં જ દાંત દબાવી દીધા હતા.
એન્ટિ વેનમ ઇન્જેક્શન નહોતાં
સ્થિતિનો તાગ આવતાં અરમાન સાપને દૂર ફેંકી મદદ માટે ભાગ્યો હતો. આ સ્થિતિમાં તે ઇમર્જન્સી વિભાગમાં પહોંચ્યો હતો અને તેણે પોતાના બે મિત્રને ફોન કરી માહિતી આપી હતી. અરમાનની આ સ્થિતિમાં તેને તુરંત એન્ટિ વેનમ ઇન્જેક્શન આપવું જરૂરી હતું, પરંતુ એઇમ્સ જેવી હોસ્પિટલ દ્વારા વધુ જથ્થો ન હોવાનો દાવો કરાયો હતો. જો કે ત્યારે જ મેડિકલ સ્ટોરના સંચાલક ત્યાં પહોંચ્યા હતા અને સ્ટોરમાંથી ઈન્જેક્શન મગાવીને આપ્યાં હતાં.
એઇમ્સમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા નહોતી
દરમિયાન અરમાન બેશુદ્ધ થયો હતો પણ ત્યાં ઓક્સિજન કે અન્ય વ્યવસ્થા પણ નહોતી. અરમાનના મિત્રો ત્યાં પહોંચ્યા તો સારવાર યોગ્ય ન થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા વાહન બોલાવ્યું હતું, જ્યાં બે દિવસની સારવાર બાદ અરમાન જોખમમુક્ત હોવાનું પરિવારે જણાવ્યું છે.
એઇમ્સથી દર્દીને સિવિલ રિફર કરાય છે
શહેરની આસપાસમાં કોઇપણ ઇમર્જન્સી કેસ હોય તો 108 એમ્બુલન્સ નજીકના સરકારી દવાખાના અને જો દર્દી કે પરિવારજન કહે તો ખાનગી હોસ્પિટલ લઈ જાય છે. જો કે એઇમ્સ શરૂ થતાં આવા ઇમર્જન્સી કેસ એઇમ્સમાં લઈ જવાતા હતા. જો કે ઘણી વખત એવું બન્યું છે, જ્યારે સામાન્ય કિસ્સા જેવા કે ગાયનેક અને ડિલિવરીમાં પણ ત્યાંથી કેસ સિવિલમાં રિફર કરી દેવાતા હતા. અરમાનના કેસમાં પણ 108 માગવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર ઓફિસમાં ચર્ચા થતાં ઠપકો પણ અપાયો હતો. ત્યારબાદ એઇમ્સ તંત્ર અને 108નું તંત્ર સામસામે આવી ગયું હતું.