અમદાવાદઃ રાખડીઓ માટે શહેરનું મેન્યુફેક્ચરિંગ અને હોલસેલ બજારની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે. દેશનાં મુખ્ય 4 બજાર કોલકાતા, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ છે, જેમાં અમદાવાદ બીજા સ્થાને હોવાનું ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું. દેશ-વિદેશમાં ઓનલાઇન રાખડીઓના વેપારમાં અમદાવાદના બજારે ધૂમ મચાવી છે.
વિદેશમાં પણ અમદાવાદમાં તૈયાર થયેલી રાખડીઓની ડિમાન્ડ દરવર્ષે વધી રહી છે. ગતવર્ષે વધુ સ્ટોક તૈયાર થઈ જવાથી આ વર્ષે વધુ સ્ટોક તૈયાર કરાયો નહોતો, પરંતુ આ વર્ષે વિદેશ સહિત અન્ય રાજ્યોમાં રાખડીઓની નિકાસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.
અમદાવાદ રાખી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પ્રદીપ જૈને જણાવ્યું કે, શહેરમાં 30થી 35 રાખડીના મોટા મેન્યુફેક્ચરર્સ અને હોલસેલના વેપારી છે. કેટલાંક વર્ષમાં રાખડીઓ માટે અમદાવાદ વેપારીઓની પહેલી પસંદ બની છે. વિદેશમાં પણ અમદાવાદની રાખડીઓની ડિમાન્ડ હોવાથી નિકાસકારો રક્ષાબંધનના 2 મહિના પહેલાંથી વિવિધ ડિઝાઇનની રાખડી ખરીદીને વિદેશ મોકલે છે.
પેકેજિંગમાં પણ અમદાવાદના વેપારીઓ આગળ છે. અમદાવાદના ઉત્પાદકોએ સૌપ્રથમ સિંગલ પીસ રાખડીઓના પેકેજિંગ અને ડિઝાઈન કર્યા છે, જે હાલ બજારમાં ડિમાન્ડમાં જોવા મળી રહી છે. આવતા વર્ષની પણ પેકેજિંગ અને ડિઝાઈનની કામગીરી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
કંકુ-ચોખા સાથે રાખડીની ડિમાન્ડ વધી
બજારમાં કંકુ-ચોખા સહિત સિંગલ રાખડીના પેકેટની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. હોલસેલ બજારમાં આની કિંમત રૂ. 25થી શરૂ થઈ રહી છે. ઉપરાંત સિંગલ રાખડીના પેકેજિંગની પણ રાખડીઓ હોલસેલમાં રૂ. 30-35થી શરૂ થાય છે. વિદેશમાં પણ આ પ્રકારની રાખડીઓની ડિમાન્ડ વધુ જોવા મળી છે.