અમદાવાદઃ રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા જઈ રહી છે. તેના માટે સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.
અંબાજી મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે. અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા ગબ્બર અને માતાના ચોકને જોડાશે. આ ઉપરાંત દેવી સતિ સંબંધિત કથાઓને સમાવીને મંદિરનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટિ લેવલ કાર પાર્કિંગ તથા યાત્રીભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિપથ, સતિઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝાનો સમાવેશ થાય છે.
માસ્ટર પ્લાન મુજબ કેવી સુવિધા મળશે?
અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે. મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુને યાત્રી નિવાસ સુવિધા, ચાયર ચોક, વિવિધ સરોવરોનું બ્યૂટિફિકેશન, હાલની તમામ સુવિધાના પુનર્વિકાસ સાથે આધ્યાત્મિક કેન્દ્ર બનશે.
ચાચર ચોકનું વિસ્તરણ, ગેલેરી જેવાં આકર્ષણો
ચાચર ચોકના ત્રણ ગણા વિસ્તરણ સાથે શક્તિ કોરિડોરમાં ગબ્બર સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતાં ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતિ સરોવર અને સતિઘાટમાં તહેવારો-મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવાશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરાશે.

