વડોદરાઃ શહેરના હરણી બોટકાંડમાં હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને દુર્ઘટના માટે જવાબદાર ગણીને 14 મૃતકોને રૂ. 3.50 કરોડ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ દુર્ઘટના માટે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન, પ્રવાસનું આયોજન કરનારી સ્કૂલ તેમજ ઇન્શ્યોરન્સ કંપનીને પણ જવાબદાર હોવાની માગણી સાથે કોટિયા પ્રોજેક્ટે કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે અંશતઃ મંજૂર કરી છે. રૂ. 3.50 કરોડ વળતર ચૂકવવાના હાઇકોર્ટના હુકમ સામે સ્ટે આપીને વડોદરા કોર્પોરેશન, ઇન્શ્યોરન્સ કંપની અને સ્કૂલને તેમનો પક્ષ રજૂ કરવા નોટિસ ઇશ્યૂ કરી છે. દુર્ઘટનામાં કોની કેટલી જવાબદારી છે તે નક્કી કરવા સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
પીડિતોને હજુ સુધી વળતર મળ્યું નથી તેવી રજૂઆતને ધ્યાને લઈને હાલના તબક્કે કોટિયા પ્રોજેક્ટ દ્વારા રૂ. 3.50 કરોડ ચૂકવવાના હુકમ સામે પાર્ટ પેમેન્ટ તરીકે જમા કરાવેલા રૂ. 1.20 કરોડ 6 અઠવાડિયામાં વળતરપેટે ચૂકવવા આદેશ કર્યો છે.