અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમદાવાદની મુલાકાત લીધી. તેઓ ટ્રાવેલ્સ એજન્ટ્સ સોસાયટી ઓફ કાશ્મીરના ઉપક્રમે પ્રવાસનને પ્રમોટ કરવાના અભિયાનનો ભાગ બનીને અહીં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસ કેન્દ્ર પહલગામમાં એપ્રિલ માસમાં થયેલા આતંકી હુમલાથી જમ્મુ-કાશ્મીરના ટૂરિઝમ પર ગંભીર અસર થઈ હતી, મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ટૂર ઓપરેટરોએ પોતાનાં બુકિંગ કેન્સલ કર્યાં હતા, પરંતુ હાલ કાશ્મીર સહેલાણીઓથી ખાલી નથી. ઓમરે દાવો કર્યો છે કે, ‘તેઓ માયુસ થઈને અહીં આવ્યા નથી. કાશ્મીર સહેલાણીઓથી ખાલી નથી થઈ ગયું, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરીથી કાશ્મીરની નયનરમ્ય ખૂબસૂરતી, કુદરતનો નજારો જોવા અને માણવા આવે.’
ઓમરે કહ્યું કે, કાશ્મીરમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મુંબઈથી સૌથી વધારે સહેલાણીઓ આવે છે. એટલે અમારા હોટેલ્સ, શિકારા અને ટ્રાવેલ્સ એજન્ટ્સ વતી અમે કહેવા માગીએ છીએ કે, જમ્મુ-કાશ્મીરમાં સહેલાણીઓ આવી રહ્યા છે એની સંખ્યા હવે ઓક્ટોબરથી શરૂ થનારી નવી સિઝનમાં હજુ પણ વધશે. આ સાથે તેમણે કાશ્મીર આવવા પ્રવાસીઓને આમંત્રણ આપ્યું હતું.
સુરક્ષા ઓડિટ પછી પ્રવાસનસ્થળ ખોલાયાં
ઓમરે કહ્યું કે, પહલગામ હુમલા પછી અમે તમામ પ્રવાસધામ બંધ કરી દીધાં હતાં. એની સુરક્ષાના ઓડિટ પછી જ તબક્કાવાર રીતે પુન: ખોલવામાં આવ્યાં છે. અમુક હજુ પણ બંધ છે. વાત જ્યારે સલામતીની છે તો હાલ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, અત્યાર સુધીમાં પોણા ચાર લાખ લોકોએ બાબા બર્ફાનીનાં દર્શનનો લાભ લીધો છે અને હજુ પણ યાત્રાળુઓ આવી રહ્યા છે.
પ્રવાસનમાં ગુજરાતીઓ સવિશેષ
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પોતે પણ કાર ચલાવીને ત્રણ વખત જમ્મુ-કાશ્મીરની સફર કરી ચૂક્યા છે. ગુજરાત અને જમ્મુ-કાશ્મીરનો સંબંધ વર્ષો જૂનો છે. દેશમાંથી સૌથી વધુ ગુજરાતી, મરાઠી અને બંગાળના લોકો જમ્મુ-કાશ્મીર યાત્રાએ આવે છે. જમ્મુ-કાશ્મીર પર્યટન પર ટકેલું છે અને તેના માટે હજુ વધુ પ્રવાસીઓ આવે તેવા અમારા પ્રયાસો છે.