કચ્છ સિવાય ગુજરાતના તમામ જિલ્લા જળબંબોળ

Wednesday 29th July 2026 04:05 EDT
 
 

અમદાવાદઃ 19 જુલાઈથી કચ્છને બાદ કરતાં ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તૂટી પડ્યા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત આ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે. ભારે જળભરાવ થતાં આ બંને ઝોનના અનેક વિસ્તારોમાં પાંચ ફૂટ પાણી ભરાતાં દુકાનો, ઓફિસો અને ઘરોમાં મોટું નુકસાન થયું છે. આ સ્થિતિમાં અનેક સ્થળેથી એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને સક્રિય કરાયાં, જેમના દ્વારા હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામ ખાતે અંબિકા નદીના પાણી સતત વધી જતાં ઝીંગા ફાર્ની સાઇટ પર 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા, જેમનું વાયુસેનાના હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું હતું. સુરતના પર્વતગામમાં મીઠીખાડીનું પાણી ન ઓસરતાં વિસ્તાર જળમગ્ન બન્યો હતો. વરસાદની માઠી અસરથી પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો, જેના કારણે સુરત રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા.
મધ્ય ગુજરાત
અમદાવાદમા ભારે વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયું હતું. આ પાણી લોકોના ઘરો અને મુખ્ય રસ્તા પર ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા અને બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ ભારે વરસાદના કારણે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
સૌરાષ્ટ્ર
અમરેલી જિલ્લાના લીલીયામાં મુશળધાર વરસાદના કારણે નાવલી નદી બે કાંઠે વહેતાં નદીના પાણી બજારની અનેક દુકાનોમાં ઘૂસી ગયાં હતાં. અમરેલીના પાણીયા ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવતાં અમરેલી-બગસરા હાઇવે બંધ થયો હતો. રાજકોટનાં અનેક ગામોમાં વરસાદથી કપાસ-મગફળીનાં પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભારે પાણીની આવકના લીધે આજી-2 ડેમમાં નવાં પાણીની આવક થઈ છે. જામનગરમાં પણ ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં.
ઉત્તર ગુજરાત
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પંથક અને આસપાસના ગામોમાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો. જો કે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જતાં નવા વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. મહેસાણાના વિસનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. શહેરના ધરોઈ કોલોનીથી મહેસાણા ચોકડી સુધીના રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.


comments powered by Disqus